ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને મળેલી રાહત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આપેલો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે સોમવારે (29 ડિસેમ્બર) આ મામલે સુનાવણી કરી હતી. દિલ્હી હાઇકોર્ટના આદેશ બાદ સીબીઆઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સામાન્ય રીતે નીચલી કોર્ટના આદેશ પરથી કોઈ વ્યક્તિને મુક્ત કરવામાં આવ્યો હોય તો તેને સાંભળ્યા વિના રોક લગાવવામાં આવતી નથી, પરંતુ આ કેસમાં આરોપી અન્ય એક કેસમાં જેલમાં હોવાથી પરિસ્થિતિ અલગ છે. તેથી આ મામલાના તથ્યોને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવામાં આવી છે.
કોર્ટે આ પણ કહ્યું કે આ કેસમાં કાયદાના કેટલાક મહત્વના પ્રશ્નો ઉદ્ભવે છે, જેમનો નિર્ણય જરૂરી છે. સુનાવણી દરમિયાન સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા, જ્યારે કુલદીપ સેંગરના વકીલોએ એજન્સીની અરજીનો વિરોધ કર્યો હતો. અંતે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટનો આદેશ સ્થગિત કરીને મામલાની આગામી સુનાવણી માટે તારીખ મુકી છે.
ઉલ્લેખનીય છે કે ઉન્નાવ રેપ કેસમાં દિલ્હી હાઇકોર્ટે કુલદીપ સેંગરને જામીન આપ્યા હતા, પરંતુ અન્ય એક કસ્ટોડિયલ ડેથ કેસમાં સજા ભોગવી રહ્યો હોવાથી તે હાલ જેલમાંથી બહાર આવી શક્યો ન હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel