બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ પર વિશાળ મેળાનો કાર્યક્રમ યોજાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉપસ્થિત રહે છે. આ વર્ષે 1થી 7 સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળાને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે વિશાળ સ્તરે આયોજન કર્યું છે. શ્રદ્ધાળુઓને સુવિધા, સુરક્ષા અને સલામતી પૂરી પાડવા માટે 29 અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જે મેળાના સમયગાળામાં જુદા-જુદા વિભાગોની જવાબદારી સંભાળશે. આ તૈયારીઓની વચ્ચે આ વર્ષે અંબાજીમાં એક અનોખું અને ઐતિહાસિક આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે—સૌ પ્રથમવાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે.
માહિતી મુજબ, આ ડ્રોન શો 3 અને 4 સપ્ટેમ્બરનાં રોજ રાત્રે 8:30 વાગ્યે યોજાશે, જો કે વાતાવરણમાં વરસાદી વિઘ્ન ન આવે તો. આ શોમાં કુલ 400 જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જે આકાશમાં રંગબેરંગી લાઈટ્સ વડે અદ્ભુત દ્રશ્યો સર્જશે. ડ્રોન દ્વારા “અંબે મા”, “જય માતાજી” જેવા લખાણો, માતાજીના પ્રતિક સ્વરૂપો, ત્રિશૂળ અને અન્ય આધ્યાત્મિક ચિહ્નો પ્રસ્તુત કરવામાં આવશે. આકર્ષક દ્રશ્યો માત્ર શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ જ નહીં કરે, પરંતુ અંબાજીના મેળાને આધુનિક ટેક્નોલોજી સાથે સંકળાવતો ઐતિહાસિક પ્રસંગ પણ સાબિત થશે.
આવો ડ્રોન શો પહેલીવાર અંબાજીમાં યોજાઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકો તેમજ દુર-દુરથી આવતા યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ટેક્નોલોજીકલ મિલનનો ઉત્તમ દાખલો બની રહેશે, જે અંબાજી મેળાની ભવ્યતા અને આકર્ષણમાં નવા રંગ ભરી દેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel