વો હી તિરંગા, વો હી ઉડાન… એકસાથ ખડા હિંદુસ્તાન
દિલધડક એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું નિદર્શન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ શિવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ પર્વ સાથે પ્રભાસક્ષેત્રમાં અનેક ઈતિહાસ રચાવા જઈ રહ્યા છે. ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર સોમનાથમાં ૧૧મી મેના રોજ ફાઇટર જેટ દ્વારા દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે.
પ્રભાસક્ષેત્રના આકાશમાં ‘સૂર્યકિરણ એર શો’ માં છ એરક્રાફ્ટ (ફાઈટર જેટ) દ્વારા આકાશમાં ‘ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ’, ‘કલર સ્મોક’, ‘લૂપ્સ એન્ડ રોલ્સ’, ‘ક્લૉઝ ફોર્મેશન’, ‘ડાયમંડ ફોર્મેશન’ સહિત હવાઈ કરતબો દ્વારા અલગ-અલગ રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવશે. વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ એર શોના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહેવાસીઓ સાક્ષી બનશે.
એર શો અંગે ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર શ્રી જનમીત શર્માએ જણાવ્યું હતું કે, એરફોર્સની સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ૧૧મી મેના રોજ સવારે ૧૧ કલાકથી સૂર્યકિરણ એર શો યોજાશે. એરફોર્સના હૉક-એમ.કે – ૧૩૨ શ્રેણીના કુલ છ ફાઈટર જેટ દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવશે.
જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ તથા ટીમના કમેન્ટેટર કુ. કંવલ સંધુએ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં પહેલીવાર સોમનાથ મંદિર પર ‘સૂર્યકિરણ એર શો’ થશે. કુલ છ ફાઇટર જેટ આ કવાયતમાં સામેલ થશે. ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર શ્રી અજય દશરથીના માર્ગદર્શનમાં આ સમગ્ર કવાયત કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, એરફોર્સના પાયલટની તાલીમ આ ફાઇટર પ્લેન પર જ કરવામાં આવે છે. હવાઈ કરતબો ઉપરાંત જરૂર પડે તો આકસ્મિક સંજોગો, દુર્ગમ પ્રદેશમાં અણધાર્યું સંકટ અને યુદ્ધની સ્થિતિમાં આ ફાઈટર જેટ્સનો ઉપયોગ કરી શકાય છે.
સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે ૮૦૦ થી ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. ફાઈનલ એર શો પૂર્વે ૧૦મી મેના રોજ સવારે ૧૧ વાગ્યાથી સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવશે. આ છ ફાઇટર જેટ જામનગર સ્ટેશનથી ઓપરેટ થશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સૂર્યકિરણની દિલધડક કવાયત અંગે તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં છ જેટ એકસાથે ઉડાન ભરીને કવાયત કરશે. બાદમાં બે ટીમ અલગ અલગ થઈ જશે અને આકાશમાં વિવિધ ફોર્મેશન દ્વારા કરતબો કરશે.
સમગ્ર ટીમના સંકલન વિશે તેમણે જણાવ્યું હતું કે, ફાઇટર જેટના તમામ પાયલટ રેડિયો કમ્યુનિકેશન સહિતના ઉપકરણોથી સજ્જ હોય છે. એક પાઈલટ સ્ક્વોડ્રન લીડર શ્રી અમન ગોયલ જમીન પર રહેશે, જે જેટના પાયલટને હવાની ઝડપ, એકબીજાથી પ્લેનનું અંતર સહિતની જરૂરી માર્ગદર્શન, સૂચનાઓ અને સંભવિત જોખમ અંગે સતત માહિતી આપતા રહેશે.
પક્ષીઓથી બચાવ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, ફાઈટર જેટના કરતબમાં પક્ષીઓ અડચણરૂપ ન બને તે માટે આગોતરી તૈયારીઓ કરવામાં આવે છે. આ માટે બર્ડ હેઝાર્ડ કંટ્રોલ (બી.એચ.સી.) હરહંમેશ તૈયાર રહે છે. સોમનાથમાં એર શો પૂર્વે સ્થાનિક તંત્રના સહયોગથી બે દિવસ સ્થાનિક નાગરિકોને વધેલા ખાદ્ય પદાર્થો બહાર ન ફેંકવા સમજાવવામાં આવ્યાં છે. જેથી પક્ષીઓ ત્યાં ન આવે.
આ ઉપરાંત સૂર્યકિરણની ટીમ પણ ફટાકડાથી સજ્જ રહે છે. જરૂર પડ્યે આકાશમાં ફટાકડા છોડીને પક્ષીઓને દૂર રાખવામાં આવે છે. આ ફટાકડા એવા છે કે, જેમના અવાજ માત્રથી પક્ષીઓ દૂર રહે છે. આ ફટાકડા પક્ષીઓને નુકસાન પહોંચાડતા નથી.
આમ, જમીનથી હવામાં અને હવામાંથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને સૂર્યકિરણની સમગ્ર ટીમ પ્રભાસક્ષેત્રની ભૂમિમાં આ રોમાંચક અને દિલધડક કરતબો દર્શાવશે. સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શો અને તેના રિહર્સલ માટેની જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel