છેલ્લા નવ દિવસથી કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી બહાર યોગી દેવનાથબાપુ ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ સાથે અનશન ઉપવાસ પર બેઠા હતા. ગૌમાતાને રાજ્યના સન્માન અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે અને તે જ ભાવનાને ધ્યાને રાખીને આ માંગણી સતત બુલંદ કરવામાં આવી રહી હતી. આજે આ અનશનનો નવમો દિવસ હતો, ત્યારે સરકાર તરફથી સકારાત્મક સંકેત મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છના પાંચ પ્રતિષ્ઠિત સંતોને ગાંધીનગર તેમના નિવાસસ્થાને બોલાવીને ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સંતોને ખાતરી આપી કે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવા સરકાર ટૂંક સમયમાં કાયદાકીય પગલાં લેશે.
મુખ્યમંત્રીના આ આશ્વાસન બાદ સંત સમાજ અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોગી દેવનાથબાપુના ઉપવાસનું પારણું કરવામાં આવ્યું. નવ દિવસથી ચાલી રહેલી આ અહિંસક લડતને સમાપ્ત કરીને હવે સંત સમાજે સરકારના વચન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કચ્છથી શરૂ થયેલી આ માંગ હવે સમગ્ર ગુજરાતમાં ગુંજાઇ રહી છે. રાજ્યભરમાં અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓ કલેક્ટરને આવેદનપત્રો આપી ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માંગણી કરી રહી છે.
આ સમગ્ર પ્રકરણ એનું પ્રતિક છે કે ગૌસંવર્ધન અને ગૌસંરક્ષણ માટેની ભાવના ગુજરાતની જનતા અને સંત સમાજના હૃદયમાં કેટલી ઊંડી રીતે વેરાયેલ છે. સંતો અને જનતા બંનેએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગાય માત્ર એક પશુ નથી, પરંતુ ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓનું જીવંત પ્રતિક છે. સરકાર દ્વારા આ દિશામાં કાયદાકીય પ્રસ્તાવ લાવવામાં આવશે તેવી ખાતરીએ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાના આંદોલનને નવી દિશા આપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel