કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવાર, 2 સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ ગેજેટ નોટિફિકેશન બહાર પાડી 1957ના રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર અને 2007ના ઇમિગ્રેશન ઓર્ડરમાં સુધારા કર્યા છે. નવા અમલમાં આવેલા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળ આ સુધારેલો આદેશ હવે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ (એક્ઝેમ્પ્શન) ઓર્ડર, 2025 તરીકે ઓળખાશે. આ આદેશમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં પ્રવેશ, નિવાસ અથવા બહાર જવા માટે વેલિડ પાસપોર્ટ, વેલિડ ટ્રાવેલ ડોક્યુમેન્ટ અને વેલિડ વિઝાની ફરજિયાત શરતો કયા લોકો માટે લાગુ નહીં પડે.
આ નવા નિયમ મુજબ સૌથી મહત્વપૂર્ણ છૂટ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક પ્રતાડનાના કારણે ભારત આવ્યા હોય એવા લઘુમતી સમુદાયોને આપવામાં આવી છે. તેમાં હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમાજના લોકોનો સમાવેશ થાય છે. આદેશ અનુસાર જો તેઓ 31 ડિસેમ્બર, 2024 પહેલાં ભારતમાં શરણ લેવા આવ્યા હોય તો તેઓ માન્ય પાસપોર્ટ કે વિઝા વગર પણ અહીં રહી શકશે અને તેમના પર ફોરેનર્સ-ઇમિગ્રેશન એક્ટની જોગવાઈ લાગુ નહીં પડે. આ છૂટ તેમને ડિપોર્ટેશનથી સુરક્ષિત કરે છે. નોંધનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019 હેઠળ આવી જ જોગવાઈ 31 ડિસેમ્બર, 2014 સુધી આવેલા લઘુમતીઓ માટે હતી, જ્યારે આ નવા નિયમ દ્વારા તારીખને દસ વર્ષ આગળ ધકેલીને ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.
આ સિવાય નિયમોમાં સશસ્ત્ર દળો સાથે સંકળાયેલા અનેક પ્રાવધાન પણ ઉમેરાયા છે. સેના, નૌસેના અને વાયુસેનાના સભ્યો ફરજ દરમિયાન દેશ છોડે કે પ્રવેશ કરે ત્યારે, તેમના પરિજનો જો સરકારી ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી રહ્યા હોય તો તેમને વિઝાની ફરજમાંથી છૂટ આપવામાં આવી છે. નેપાળ અને ભૂતાનના નાગરિકોને પહેલેથી જ વિઝા વિના ભારતમાં આવવા અને રહેવાની મંજૂરી છે, જેની પુષ્ટિ આ નવા આદેશમાં પણ કરવામાં આવી છે. ઉપરાંત, તિબેટી શરણાર્થીઓને પણ વિશેષ છૂટ આપવામાં આવી છે જેથી તેઓ વિઝા સંબંધિત કાયદાઓમાંથી મુક્ત રહી શકે.
મંત્રાલયના આદેશમાં ખાસ કરીને શ્રીલંકન તમિલ નાગરિકોનો ઉલ્લેખ કર્યો છે. જણાવવામાં આવ્યું છે કે એક્ટના ખંડ ત્રણના ઉપખંડ (1), (2) અને (3) — જેમાં માન્ય પાસપોર્ટ, ડોક્યુમેન્ટ અને વિઝાની જરૂરિયાત છે — તે જોગવાઈઓ 9 જાન્યુઆરી, 2015 પહેલાં ભારતમાં રજિસ્ટર્ડ થયાેલા શ્રીલંકન તમિલ શરણાર્થીઓ પર લાગુ નહીં પડે. આ ઉપરાંત, રાજદૂતિય પાસપોર્ટ ધરાવતા વિદેશી નાગરિકોને પણ છૂટ આપવામાં આવી છે, શરતે કે ભારત અને તે દેશ વચ્ચે સત્તાવાર કરાર થયેલો હોય.
સૈન્ય સંબંધિત પ્રાવધાનોમાં એ પણ ઉમેરાયું છે કે અન્ય દેશોના સૈન્ય કર્મચારીઓ, જે વિદેશી નૌસેના જહાજોમાં મલ્ટીલેટરલ મેરિટાઇમ એક્સરસાઇઝમાં ભાગ લેવા, શુભેચ્છા મુલાકાતો માટે કે કુદરતી આફત દરમિયાન માનવતાવાદી મદદ આપવા ભારત આવે, તેઓને પણ વિઝાની ફરજિયાત જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ નવા આદેશથી સ્પષ્ટ થાય છે કે ભારત સરકારે એક તરફ ધાર્મિક પ્રતાડનાથી પીડિત લઘુમતીઓ માટે કાનૂની સુરક્ષા મજબૂત કરી છે, તો બીજી તરફ સૈન્ય, રાજદ્વારી અને પડોશી દેશોના નાગરિકો માટે સરળતા ઉભી કરી છે. આ સુધારાઓ ભારતની આંતરિક સુરક્ષા, માનવતાવાદી જવાબદારી અને રાજદ્વારી હિતો વચ્ચેનો સંતુલન જાળવીને બનાવવામાં આવ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel