અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે છે, જે 2021માં તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાં બાદની સૌથી ઉચ્ચ સ્તરીય તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાકાત છે. આ આઠ દિવસીય મુલાકાત દરમિયાન રાજકીય, સુરક્ષા, આર્થિક તેમજ માનવતાવાદી સહકાર જેવા અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ બેઠકને બંને દેશોના સંબંધોમાં નવો વળાંક લાવનાર ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે.
આજે દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અફઘાન વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતે કાબુલમાં પોતાના દૂતાવાસને ફરી ખોલવાનો નિર્ણય જાહેર કર્યો છે. હાલ કાબુલમાં માત્ર ભારતનું ટેક્નિકલ મિશન કાર્યરત છે, પરંતુ હવે તેને પૂર્ણ દૂતાવાસનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણય ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના રાજનૈતિક સંબંધોને નવી દિશા આપશે. બંને દેશો વચ્ચેના રાજકીય અને સુરક્ષા સંવાદને વધુ મજબૂત બનાવવા માટે આગામી અઠવાડિયાંમાં ટેકનિકલ અને પ્રશાસકીય સ્તરે કાર્યવાહી શરૂ થવાની છે.
ડૉ. જયશંકરે અફઘાન પ્રતિનિધિમંડળનું ઉમેળકાભેર સ્વાગત કરતાં જણાવ્યું કે ભારત અફઘાનિસ્તાનની સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે “આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ ધપાવવાનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે સંયુક્ત હિતો અને પ્રાદેશિક શાંતિ માટે કારગર સાબિત થશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે સહકાર જરૂરી છે, કારણ કે આતંકવાદ માત્ર અફઘાનિસ્તાન કે ભારત માટે નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા માટે ખતરો છે.
બેઠક દરમિયાન પહલગામ આતંકી હુમલો સહિત અનેક આતંકવાદી ઘટનાઓનો ઉલ્લેખ થયો હતો. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે પોતાના સમર્થનને પુનરાવર્તિત કર્યું અને સ્પષ્ટ કર્યું કે અફઘાન લોકો પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરશે — આ સિદ્ધાંત પર ભારત અડગ છે.
બીજી તરફ, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ ભારત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમેરિકાના કબજા દરમિયાન અનેક ઉતાર-ચડાવ આવ્યા, પરંતુ અફઘાનિસ્તાને ક્યારેય પણ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું નથી. અમે હંમેશા ભારત સાથે સારા અને વિશ્વાસપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે અફઘાનિસ્તાન કોઈપણ વિદેશી સૈન્ય બળને પોતાની જમીનનો ઉપયોગ બીજા દેશો વિરુદ્ધ કરવાની મંજૂરી આપશે નહીં, જે ભારત માટે પણ એક મહત્વપૂર્ણ સુરક્ષા ખાતરી છે.
મુત્તાકીએ ભારત દ્વારા છેલ્લા ચાર વર્ષમાં આપવામાં આવેલી માનવતાવાદી અને આપત્તિ રાહત સહાય, ખાસ કરીને ભૂકંપ દરમિયાન મોકલાયેલી દવાઓ, ખોરાક અને અન્ય મદદ બદલ ભારતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે “કપરાં સમયમાં ભારત અફઘાનિસ્તાનની બાજુમાં ઊભું રહ્યું, જે બંને દેશો વચ્ચેની મિત્રતાનું જીવંત ઉદાહરણ છે.”
આ બેઠક બાદ બંને દેશોએ સહમત થઈને જણાવ્યું કે હવે દ્વિપક્ષીય સહકારને વ્યવહારિક સ્તરે મજબૂત બનાવવો, વેપાર અને પુનર્નિમાણ ક્ષેત્રે તકોનો લાભ ઉઠાવવો અને માનવતાવાદી સહયોગ વધારવો જરૂરી છે. અફઘાનિસ્તાનમાં ભારતની ફરી દૂતાવાસ ખોલવાની જાહેરાત માત્ર રાજનૈતિક નિર્ણય નથી, પરંતુ તે ભારતના પ્રાદેશિક હિતો અને અફઘાન જનતાના વિકાસ માટેની દીર્ઘકાળીન પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel