જમ્મુ-કાશ્મીરના દુર્ગમ પહાડી વિસ્તારોમાં ભારત હવે એવી વ્યૂહાત્મક તૈયારીમાં લાગી ગયું છે, જે પાકિસ્તાન માટે ગંભીર ચિંતા બની શકે છે. કેન્દ્ર સરકારે ચિનાબ નદી પર બની રહેલા ચાર મહત્વના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કડક આદેશો આપ્યા છે. આ માત્ર વીજ ઉત્પાદન પૂરતું સીમિત પગલું નથી, પરંતુ પાકિસ્તાનની ‘લાઈફલાઈન’ ગણાતી નદીઓના પાણી પર ભારતની પકડ મજબૂત કરવાની દિશામાં એક મોટો અને દીર્ઘકાલીન વ્યૂહાત્મક નિર્ણય છે. તાજેતરમાં કેન્દ્રીય વીજ મંત્રી મનોહર લાલ ખટ્ટરની જમ્મુ-કાશ્મીર મુલાકાત બાદ આ તમામ પ્રોજેક્ટ્સ માટે નવી ડેડલાઇન નક્કી કરવામાં આવી છે, જેને કારણે કામની ગતિ પણ તેજ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર, ચિનાબ નદી પરના 1,000 મેગાવોટ ક્ષમતાવાળા પાકલ ડુલ અને કિરૂ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ડિસેમ્બર 2026 સુધીમાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, ક્વાર હાઇડ્રોપાવર પ્રોજેક્ટને માર્ચ 2028 સુધી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે સૌથી વધુ વિવાદાસ્પદ અને પાકિસ્તાન દ્વારા સતત વિરોધ કરવામાં આવતા રતલે ડેમને પણ વર્ષ 2028 સુધીમાં પૂરું કરવાની યોજના છે. આ સમયસીમા પરથી સ્પષ્ટ થાય છે કે ભારત હવે કોઈપણ વિલંબ વગર આ તમામ યોજનાઓને પૂર્ણ કરી જળ સંસાધનોના સંપૂર્ણ ઉપયોગ તરફ આગળ વધી રહ્યું છે.
પાકિસ્તાન માટે આ પ્રોજેક્ટ્સ ખાસ ચિંતાનો વિષય છે, કારણ કે તેની ખેતી અને પીવાના પાણીની જરૂરિયાતનો લગભગ 90 ટકા હિસ્સો સિંધુ બેસિનની નદીઓ પર આધારિત છે. પાકિસ્તાનના દસમાંથી નવ લોકો એ પાણીનો ઉપયોગ કરે છે, જે ભારતમાંથી વહીને ત્યાં પહોંચે છે. ખાસ કરીને પાકલ ડુલ ડેમ ભારતનો સૌથી ઊંચો, 167 મીટર ઊંચાઈ ધરાવતો ડેમ હશે અને પશ્ચિમી નદીઓ પર ભારતનો પહેલો સ્ટોરેજ પ્રોજેક્ટ ગણાશે, જેના કારણે ભારત પાસે પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાની મહત્વની ક્ષમતા આવશે. રતલે પ્રોજેક્ટના ડિઝાઇન અને સ્પિલવેને લઈને પાકિસ્તાન લાંબા સમયથી વાંધા ઉઠાવતું આવ્યું છે, પરંતુ ભારત હવે આ પ્રોજેક્ટને ઝડપી ગતિએ આગળ વધારી રહ્યું છે. સાથે જ, કિરૂ અને ક્વાર જેવા પ્રોજેક્ટ્સ એક જ શ્રેણીમાં હોવાને કારણે ભારત સમગ્ર ચિનાબ નદીના વહેણનું વધુ સચોટ સંચાલન કરી શકશે.
સિંધુ જળ સંધિના મુદ્દે પાકિસ્તાન વારંવાર ભારતના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સામે વિરોધ નોંધાવતું આવ્યું છે. તાજેતરમાં દુલહસ્તી સ્ટેજ-2 પ્રોજેક્ટને મળેલી મંજૂરી સામે પણ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો, જેને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. ભારતનું વલણ હવે વધુ સ્પષ્ટ છે—‘રન-ઓફ-ધ-રિવર’ પ્રોજેક્ટ્સ અને સ્ટોરેજ ક્ષમતા વધારીને પોતાની જળશક્તિનો પૂર્ણ અને કાયદેસર ઉપયોગ કરવાનો. આ બદલાતી વ્યૂહરચના પાકિસ્તાન માટે આવનારા સમયમાં નવી રાજકીય અને કૂટનીતિક પડકારો ઊભા કરી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel