ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ઉભા થતા સેવાનાં કૅમ્પો મેળાની આગવી ઓળખ છે. ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ અને મેડિકલ સુવિધાઓ જેવી વ્યવસ્થાઓ સાથે આ સેવા કૅમ્પો માઇભક્તોને અદભૂત સહારો પૂરો પાડે છે.
આવા સેવાના કૅમ્પોમાં સૌથી મોટું આકર્ષણ “જય જલિયાણ સેવા કેમ્પ” છે, જે રતનપુર-દાંતા માર્ગ પર છેલ્લા ૧૮ વર્ષથી અવિરત રીતે સેવા આપતું આવ્યું છે. વિશાળ મંડપમાં ઊભા કરાયેલા આ સેવા કેમ્પમાં ચાર દિવસ દરમ્યાન લાખો યાત્રિકો ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે.
કેમ્પના આયોજક હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે, “અમારો સેવા કેમ્પ ૨૪ કલાક ખુલ્લો રહે છે. સવારમાં રોટલી-શાક, દાળ-ભાત, બુંદી, ગાંઠીયા અને છાશ મળે છે, જ્યારે રાત્રે ખીચડી-કડીનો પ્રસાદ આપવામાં આવે છે. સાથે સાથે મેડિકલ સુવિધા, મસાજ સેવા અને આરામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાત્રે ભજન સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા યાત્રિકોનો થાક ઉતારી દેવાય છે.”
માઇભક્તો આ સેવા કેમ્પને પોતાની પદયાત્રાનો અભિન્ન ભાગ ગણે છે. છેલ્લા દસ વર્ષથી અંબાજી યાત્રા કરતા પ્રકાશ વાઘેલાએ જણાવ્યું કે, “અમે દસ વર્ષથી આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છીએ. અહીં રહેવા-જમવાની ઉત્તમ સુવિધા મળે છે, જેના માટે અમે આયોજકોનો દિલથી આભાર માનીએ છીએ.”
ભક્તિ, ભોજન અને સેવાનો આ અનોખો સંગમ “જય જલિયાણ સેવા કેમ્પ”ને અંબાજી મહામેળાનું અનિવાર્ય કેન્દ્ર બનાવી દે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel