અંબાજી ભાદરવી પૂનમના મેળાને અનુસંધાને પાટણ શહેરમાંથી વિવિધ મહોલા અને પોળના સંઘોએ મંગળવાર રાત્રે બગવાડા ચોક ખાતે સમૂહમાં ભેગા થઈ મા અંબાની ભક્તિધૂન અને ગરબા સંગીત સાથે અંબાજી ધામ તરફ પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.
વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પાટણના અનેક સંઘો દર વર્ષે પગપાળા અંબાજી પહોંચે છે. આ વર્ષે પણ પાટણ વાઘેશ્વરી માતા સંઘ, ગુજરવાડા યુથ સંઘ, ઝીણીપોળ સંઘ, નાગરલીમડી સંઘ, દ્વારકેશ યુવક મંડળ, બતીવાડા યુવક મંડળ, કાસરવાડા યુવક મંડળ, નાગરલીમડી યુવક મંડળ સહિતના હજારો માઈભક્તો ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કર્યાં હતાં.
બગવાડા ચોકે બધા સંઘો એકઠા થતા જાણે પાટણમાં જ અંબાજીનો ભવ્ય મેળો ઊભો થયો હોય એવો માહોલ સર્જાયો હતો. નાના બાળકો, યુવાનો, બહેનો અને વડીલો સુધીના ભક્તોએ “જય અંબે”ના જયઘોષ વચ્ચે ભક્તિગીતો અને ગરબા સાથે પદયાત્રા શરૂ કરી હતી. પાટણના બગવાડા ચોકથી સિદ્ધપુર રોડ તરફ અંબાજીની યાત્રા માટે પગલા ભરાયા હતાં.
આ પદયાત્રામાં સંઘોએ પોતાની વ્યવસ્થા મુજબ દરેક સ્થળે ઉતારાનું આયોજન કર્યું છે. યાત્રાળુઓને નાસ્તો, ભોજન તથા આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સંઘના સેવાભાવી કાર્યકરો ભક્તોને અંબાજી સુધી લઈ જવાની તૈયારી સાથે જોડાયા છે.
પરંપરા મુજબ ભક્તો દશમથી પદયાત્રા શરૂ કરીને તેરસ સુધીમાં અંબાજી પહોંચે છે. ત્યાં પહોંચી માં અંબાના ધામ તેમજ ગબ્બર પર ધજા ચઢાવી માતાને નવરાત્રી માટેનું નિમંત્રણ અર્પણ કરવાની પાવન પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.
પાટણના દરેક વિસ્તારમાંથી સંઘો પદયાત્રા દ્વારા માં અંબાના દર્શન માટે અંબાજી પહોંચે છે, જે પાટણની આસ્થા અને ભક્તિ પરંપરાનું જીવંત પ્રતીક બની રહે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel