મધ્ય પ્રદેશની રાજનીતિમાં તાજેતરમાં મોટો વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય ઉમંગ સિંઘારે એક નિવેદન આપ્યું કે “આદિવાસીઓ હિંદુ નથી.” તેમના આ નિવેદનને કારણે ભાજપે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને આ મુદ્દાને રાજકીય રંગ આપ્યો છે. ઉમંગ સિંઘારે ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપ હંમેશા વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા પ્રયત્ન કરે છે. તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયની પોતાની પરંપરાઓ, જીવનશૈલી અને સંસ્કૃતિ છે, જે તેમને અલગ ઓળખ આપે છે. એક આદિવાસી કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, “ગર્વ સે કહો હમ આદિવાસી હૈ.” તેમણે આદિવાસી સમુદાયની તુલના શીખ, બૌદ્ધ અને જૈન સમુદાય સાથે કરતાં જણાવ્યું કે જેમ તેમનાં પોતાના અલગ-અલગ રિવાજ છે તેમ આદિવાસીઓનાં પણ અલગ ધાર્મિક રિવાજો અને માન્યતાઓ છે. તેઓએ ઉમેર્યું કે છેલ્લા 16 વર્ષથી તેઓ તેમના વિસ્તારમાં ગણેશ વિસર્જનની વિધિઓ કરી રહ્યા છે, તેથી ભાજપ પર સવાલ ઉઠાવ્યો કે આદિવાસીઓને હિંદુ ધર્મમાં સામેલ કરવાનો પ્રયત્ન શા માટે થઈ રહ્યો છે.
#WATCH | Bhopal, Madhya Pradesh: On tribal identity, Madhya Pradesh Assembly LoP Umang Singhar says, "The original inhabitants of this country are tribals… Why do the BJP or RSS want to stop us from worshipping nature?… We are not disrespecting any religion. I, too, respect… pic.twitter.com/I2EF69mhJi
— ANI (@ANI) September 5, 2025
ઉમંગ સિંઘારે આ પણ દાવો કર્યો કે ભાજપ અસ્તિત્વમાં આવતાં પહેલાંથી જ આદિવાસીઓ હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 9 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય તેનો પુરાવો છે કે આદિવાસીઓની ઓળખ અને સંસ્કૃતિ અલગ છે. તેમણે RSS પર નિશાનો સાધતાં કહ્યું કે RSS હંમેશાં ‘મનુવાદી’ માનસિકતા સાથે કામ કરે છે અને આદિવાસીઓની વાસ્તવિક ચિંતા તેમને નથી. જો RSS ખરેખર આદિવાસીઓની કાળજી રાખે છે તો આટલા વર્ષોમાં કોઈ આદિવાસી વ્યક્તિને સરસંઘચાલક તરીકે કેમ નિયુક્ત કરવામાં આવ્યો નથી? ભાજપે આ બાબતે ખુલાસો કરવો જોઈએ. મધ્ય પ્રદેશમાં આદિવાસીઓની વસ્તી કુલ વસ્તીના આશરે 21% છે, જેને કારણે તેમની ઓળખ અને સંસ્કૃતિ હંમેશાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બને છે. ઉમંગ સિંઘારના આ નિવેદનથી ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે.
ભાજપ તરફથી આ નિવેદનનો તીવ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપના સિનિયર ધારાસભ્ય રામેશ્વર શર્માએ ઉમંગ સિંઘાર પર આક્ષેપ કરતાં કહ્યું કે તેઓ સોનિયા ગાંધીને ખુશ કરવા માટે આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા પ્રેરિત કરવાનો કાવતરું ઘડી રહ્યા છે. શર્માએ કટાક્ષ કર્યો કે કોંગ્રેસના નેતાઓ ભલે સોનિયા ગાંધીને ખુશ કરી લે, પરંતુ દેશની જનતા આ બાબતને સહન નહીં કરે. તેમણે કહ્યું કે ભારતની સંસ્કૃતિ અને પરંપરા આદિવાસી સમુદાયના ગર્ભમાં જ વિકસેલી છે. ભગવાન રામે શબરીના હાથથી બોર સ્વીકાર્યાં હતાં અને તેમને માતા તરીકે સંબોધ્યા હતાં, જે આદિવાસી પરંપરાઓના ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણનું ઉદાહરણ છે.
सोनिया गांधी जी को खुश करने के लिए आदिवासी भाई-बहनों के गले में क्रॉस लटकाने का षडयंत्र मत करो उमंग सिंघार जी…#RameshwarSharma#RsSpeaks pic.twitter.com/e3a4Zc0Mot
— Rameshwar Sharma (@rameshwar4111) September 4, 2025
રામેશ્વર શર્માએ આગળ જણાવ્યું કે સેંકડો આદિવાસીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું. બિરસા મુંડાને ભારતની સંસ્કૃતિ અને સનાતન પરંપરાના પ્રતિક તરીકે પૂજવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓ પર આરોપ મૂકતાં તેમણે કહ્યું કે તેઓ આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે, પરંતુ ભારતના આદિવાસીઓ સનાતન સંસ્કૃતિ સાથે અખંડિત રીતે જોડાયેલા છે. તેઓ વૃક્ષો, નદીઓ અને પ્રકૃતિની પૂજા કરે છે, જે ભારતીય પરંપરાનો મુખ્ય આધાર છે. શર્માએ કટાક્ષ કરતાં ઉમેર્યું કે કોંગ્રેસ કેટલીય કોશિશ કરે, પરંતુ આદિવાસીઓ ક્યારેય ખ્રિસ્તી ધર્મ સ્વીકારશે નહીં. તેઓ હંમેશા સનાતન સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને બિરસા મુંડાના જપ સાથે જોડાયેલા રહેશે.
આ વિવાદે માત્ર મધ્ય પ્રદેશ જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ રાજકીય ચર્ચા જગાવી છે. એક બાજુ કોંગ્રેસ આદિવાસીઓને તેમની અલગ ઓળખ આપવાની વાત કરે છે, જ્યારે ભાજપ આદિવાસીઓને સનાતન સંસ્કૃતિનો અવિભાજ્ય ભાગ ગણાવે છે. આવનારા સમયમાં આ મુદ્દો આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને રાજ્યની રાજનીતિમાં મોટો મુદ્દો બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel