વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 નવેમ્બર 2025ના રોજ હિમાલયના સુંદર અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દેશ ભૂટાનની બે દિવસીય રાજકીય યાત્રા પર છે. આ તેમની 2014 પછીની ભૂટાનની ચોથી મુલાકાત છે, જે ભારત અને ભૂટાન વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય સંબંધોને નવી ઊર્જા આપશે એવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના પરંપરાગત મિત્રતાભર્યા અને વિશ્વાસપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે તેમજ ઊર્જા, કનેક્ટિવિટી, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગના ક્ષેત્રોમાં સહકારના નવા અધ્યાય ખોલશે.
વડા પ્રધાન મોદીએ આ પ્રવાસ માટે રવાના થવા પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “ભૂટાન માટે પ્રસ્થાન કરી રહ્યો છું, જ્યાં હું વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ. આ મુલાકાત ભૂટાનના મહામહિમ ચોથા રાજાના 70મા જન્મદિવસની ઉજવણી સાથે સંકળાયેલી છે.” આ બે દિવસની મુલાકાત દરમિયાન મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને વડા પ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.
Leaving for Bhutan, where I will attend various programmes. This visit comes at a time when Bhutan is marking the 70th birthday of His Majesty the Fourth King. I will be holding talks with His Majesty the King of Bhutan, His Majesty the Fourth King and Prime Minister Tshering…
— Narendra Modi (@narendramodi) November 11, 2025
11 નવેમ્બરના રોજ મોદી ભૂટાનના રાજા સાથે બેઠક કરશે અને ત્યારબાદ બંને નેતાઓ પુનાત્સાંગછૂ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ભારત અને ભૂટાનના સંયુક્ત સહકારથી વિકસાવાયેલો આ 1020 મેગાવોટનો પ્રોજેક્ટ ભૂટાનની ઊર્જા ક્ષમતા લગભગ 40% સુધી વધારશે અને વધારાની વીજળી ભારતને સપ્લાય કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારત-ભૂટાન ઊર્જા ભાગીદારીનું નવું પ્રતીક ગણાશે અને બંને દેશોની પરસ્પર નિર્ભરતાને વધુ મજબૂત બનાવશે.
આ ઉપરાંત વડા પ્રધાન મોદી ભૂટાનના ચોથા રાજાના જન્મદિવસ સમારોહમાં હાજરી આપશે અને ત્યારબાદ ભૂટાન સરકાર દ્વારા આયોજિત વિશ્વ શાંતિ અને માનવ એકતાના પ્રોત્સાહન માટેના વિશાળ સમારંભ ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’માં ભાગ લેશે. આ સમારંભમાં વિશ્વના અનેક બૌદ્ધ ધર્મગુરુઓ અને આધ્યાત્મિક નેતાઓ ભાગ લેશે, અને પીએમ મોદીની હાજરી તેને વિશેષ મહત્ત્વ આપશે.
યાત્રાના બીજા દિવસે, એટલે કે 12 નવેમ્બરે, વડા પ્રધાન મોદી ભૂટાનના વડા પ્રધાન ડૉ. ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, રેલવે અને રોડ કનેક્ટિવિટી, વેપાર અને ટેકનોલોજી સહયોગ સહિતના ક્ષેત્રોમાં ચર્ચા થશે. બંને દેશો વચ્ચે ભૂટાનની 13મી પંચવર્ષીય યોજનામાં ભારતના સહકાર પર પણ ચર્ચા થવાની છે, જેથી ભૂટાનના વિકાસ કાર્યક્રમોને વધુ ગતિ મળી શકે.
ધાર્મિક અને સાંસ્કૃતિક સ્તરે પણ મોદીની આ યાત્રા ખાસ છે. ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષો હાલ ભૂટાનમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યા છે, અને વડા પ્રધાન મોદી થિમ્ફુના તાશીછોજોંગ મઠ ખાતે જઈને આ અવશેષોના દર્શન અને પૂજન કરશે. આ કાર્યક્રમ બંને દેશોના પ્રાચીન બુદ્ધ પરંપરાના આત્મીય સાંસ્કૃતિક સંબંધોને વધુ ઊંડો બનાવશે.
ભારતના વિદેશ મંત્રાલયે આ મુલાકાતને ભારત-ભૂટાન વચ્ચેની અનુકરણીય ભાગીદારીને નવી દિશા આપનારી ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, “ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધો પરસ્પર સન્માન, વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે, જે સમય સાથે વધુ મજબૂત બન્યા છે.” ભૂટાનમાં ભારતના રાજદૂત સંદીપ આર્યએ જણાવ્યું કે, “આ યાત્રા ખાસ કરીને ‘ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ’ અને ચોથા રાજાના 70મા જન્મજયંતિ જેવા બે ઐતિહાસિક અવસર સાથે જોડાયેલી છે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.” ભૂટાનના મંત્રી લ્યોનપો જેમ શેરિંગએ પણ જણાવ્યું કે, “જ્યારે દુનિયા યુદ્ધ અને સંઘર્ષના સમયમાં છે, ત્યારે પીએમ મોદીની શાંતિ પ્રાર્થનામાં હાજરી આખા પ્રદેશ માટે પ્રેરણાદાયી છે.”
ભૂટાન ભારત માટે માત્ર એક મિત્ર દેશ જ નહીં, પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નાનો દેશ ભારત અને ચીન વચ્ચે આવેલો બફર ઝોન તરીકે કાર્ય કરે છે. અહીં ચીનનો પ્રભાવ વધે તો ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યઓ સાથે જોડતા સિલિગુડી કોરિડોર (ચીકન નેક) પર સીધો જોખમ ઊભો થઈ શકે છે. વર્ષ 2017માં ચીન દ્વારા ભૂટાનના ડોકલામ ક્ષેત્રમાં સડક નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ભારતે પોતાના સૈન્ય સહયોગથી રોકી દીધો હતો. ભૂટાન સતત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના હિતોને સમર્થન આપતું આવ્યું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સીટ માટેનું સમર્થન પણ સામેલ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom