ગુજરાતમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓના વીડિયોએ ચર્ચા અને વિવાદ બંને ઊભા કર્યા છે. આ વીડિયોમાં મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલા વચનોને લઈને વિરોધ પક્ષો સવાલો ઉઠાવી રહ્યા છે.
હર્ષ સંઘવીનો આક્ષેપ, ઉઠાવ્યા તીખા સવાલો
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરીને AAP પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું AAPના ઉમેદવારો કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને સ્થાન આપવા માંગે છે?
સાથે જ તેમણે પૂછ્યું કે શું આવી જ વિચારધારા સાથે AAP ગુજરાતની જનતા પાસે “એક મોકો” માંગે છે? સંઘવીના આ નિવેદનથી રાજકીય ચર્ચા વધુ તેજ બની ગઈ છે.
શું આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે?
શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે “એક મોકો” માંગે છે?
શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે?
સાંભળો, ગુજરાતમાં AAP ના ઉમેદવારો શું બોલી રહ્યા છે pic.twitter.com/RybnQgZagZ
— Harsh Sanghavi (@sanghaviharsh) April 25, 2026
વીડિયોમાં શું કહ્યું AAPના નેતાઓએ?
વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા AAP નેતા મુસ્લિમ બહુલ વિસ્તારમાં પ્રચાર કરતી જોવા મળે છે. તે પોતાના ભાષણમાં કહે છે કે જો AAPની સરકાર આવશે તો મુસ્લિમ સમુદાયની વાતોને પ્રાથમિકતા આપવામાં આવશે.
તે આગળ દાવો કરે છે કે મસ્જિદો અને દરગાહો પર ચાલતી બુલડોઝર કાર્યવાહી રોકી દેવામાં આવશે. નોંધનીય છે કે હાલ સરકાર ગેરકાયદે બાંધકામો સામે કાયદેસર કાર્યવાહી કરતી હોય છે, જેમાં અગાઉ નોટિસ આપવાની પ્રક્રિયા પણ શામેલ હોય છે.
મહિલા નેતા પોતાના ભાષણમાં કહે છે કે રસ્તા પર નમાજ પઢતા લોકોને રોકવામાં આવે છે તે બંધ કરવામાં આવશે અને તેમને ગમે ત્યાં નમાજ પઢવાની છૂટ આપવામાં આવશે.
અન્ય વીડિયોમાં પણ સમાન દાવા
બીજા એક વીડિયોમાં AAPના એક પુરૂષ નેતા પણ સમાન પ્રકારના નિવેદનો કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે જો AAPની સરકાર આવશે તો રોડ-રસ્તા પર આવેલી મસ્જિદો અથવા દરગાહોને તોડવામાં નહીં આવે.
આ સાથે તેમણે ભીડને સંબોધતા કહ્યું કે “કોઈની તાકાત નથી કે આપણો હક છીનવી શકે”, જે નિવેદનને લઈને પણ રાજકીય વિવાદ વધ્યો છે.
ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો
આ સમગ્ર મામલે ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધ્યો છે. એક તરફ AAPના નેતાઓના નિવેદનો ચર્ચામાં છે, તો બીજી તરફ ભાજપ દ્વારા આ મુદ્દે કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આવા મુદ્દાઓ મતદારો પર શું અસર કરશે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel