ધોળામાં શારદાપીઠનાં નારાયણનંદ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિ સાથે વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે યજ્ઞ યોજાયેલ, જેમાં ઉદ્બોધનમાં મોરારિબાપુએ સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રધ્ધા અનિવાર્ય ગણાવેલ.
ઉમરાળા તાલુકાનાં ધોળા ગામે કનુબાપુ બાદલ પરિવાર દ્વારા મણિમા, જીવરામબાપુ તથા લીલાબાના સ્મરણાર્થે રવિવાર તથા સોમવાર દરમિયાન વૈદિક સનાતન ધર્મોત્સવ અને વિષ્ણુ મંડપ સાથે યજ્ઞનું આયોજન થયું હતું, પ્રેરક ઉપસ્થિતિ સાથેના આ આયોજનમાં ધર્માચાર્યો, ગાદીપતિઓ, સામાજિક અને રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ભાવ અને ઉમંગ સાથે આ ધર્મ પ્રસંગ યોજાયેલ, જેમાં મુખ્ય પ્રેરક ઉદ્બોધનમાં મોરારિબાપુએ વૈદિક ધર્મના કારણે રહેલી સુરક્ષાનો ઉલ્લેખ કરી સાંપ્રત અરાજકતામાં સનાતન વૈદિક નિર્ણયમાં સાધુમત અને વેદમતની અનિવાર્યતા જણાવી. તેઓએ કલ્યાણ મંડપ, લગ્ન મંડપ, યજ્ઞ મંડપ, ગગન મંડપ અને વિષ્ણુ મંડપ અંગે મહિમા રૂપક પ્રસ્તુત કર્યું. સાત્વિક યજ્ઞમાં વિધિ, અન્નદાન, મંત્ર, દક્ષિણા અને શ્રધ્ધા અનિવાર્ય ગણાવેલ.
દ્વારકા શારદાપીઠનાં નારાયણનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર સાથે ભારતભૂમિનો સનાતન ધર્મ મહિમાનો ઉલ્લેખ કરી જન્મદાતા માતા, ધરતી માતા, ગાય માતા વગેરેનો મહિમા વર્ણવી બાળ સંસ્કાર પર ભાર મૂક્યો. ધાર્મિકતા માટે આડંબર કે પ્રદર્શન નહી, ઘરથી પ્રગટ કરવા ટકોર કરી.
ગોહિલવાડ રાજવી પરિવારના જયવીરરાજસિંહ ગોહિલે આ પ્રસંગનો રાજીપો વ્યક્ત કરવા સાથે ભાવનગરની સંસ્કાર પરંપરાનો ઉલ્લેખ કરી સૌને શારીરિક અને માનસિક ભાવના મજબૂત કરવા અનુરોધ કર્યો અને નારીશક્તિની પણ વંદના કરી.
જાણીતા પત્રકાર જગદીશ મહેતાએ આ પ્રસંગે ટૂંકી વાત કરતાં કહ્યું કે, બોલવા કરતાં શું ન બોલવું એ કળા વધુ જરૂરી છે અને હવે સૂત્ર નહી પણ મંત્રની આવશ્યકતા છે, જે આ ધર્માચાર્યો જ આપી શકે.
ઉમરાળાનાં સરપંચ અને સાત્વિક ઉપાસક ધર્મેન્દ્ર હેજમે પ્રાસંગિક વાતમાં ધાર્મિકતા અને સામાજિક સમરસતા સાથેના આવા પ્રસંગોનો મહિમા જણાવ્યો.
આ પરિવારના કનુબાપુ બાદલ દ્વારા રાજીપો વ્યક્ત કરવા સાથે સૌને આવકારેલ તેમજ તેમના દ્વારા પગરખાં નહી પહેરવાની ટેક અહીંયા સંતોની ઉપસ્થિતિ સાથે પૂરી કરવામાં આવી.
અહીં યોજાયેલા યજ્ઞમાં ભૂદેવોના મંત્રોચાર સાથે યજમાન દંપતીઓએ આહુતિઓ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ઝીણારામજી મહારાજ, ભક્તિરામબાપુ, બાબુરામબાપુ, મૂકેશગિરિબાપુ, નિરંજનદેવગિરિજી, દેવલમાતા સહિત અનેક સંતો, ધાર્મિક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે અગ્રણી હરૂભાઈ ગોંડલિયા અને ભારતીબેન ભીંગરાડિયા સંકલન સંચાલનમાં રહેલ.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel