મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં તે રશિયા માટે યુદ્ધ લડતા લડતા યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી ચૂક્યો છે. સાહિલ મૂળ ગુજરાતના મોરબીનો રહેવાસી છે અને રશિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો હતો. પરંતુ ત્યાં તે ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો હતો. રશિયન પોલીસે તેને ધરપકડ કરી હતી અને કોર્ટ દ્વારા તેને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે સાહિલના દાવા મુજબ, સજા બાદ રશિયન અધિકારીઓએ તેને બે વિકલ્પ આપ્યા હતા — જેલમાં સજા ભોગવવી કે પછી રશિયા તરફથી યુક્રેન સામે ચાલતા યુદ્ધમાં જોડાવું. જેલના ડરથી તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો અને રશિયન સેનામાં ભરતી થઈ ગયો.
સાહિલે જણાવ્યું કે તેને 1.5 મહિના માટે લડવા કહેવામાં આવ્યું હતું અને બદલામાં 1,00,000 રુબલ (લગભગ ₹85,000) આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ તે મુજબ તેને એક પણ પૈસો મળ્યો નહીં. પ્રથમ મહિના સુધી તેને સૈન્ય તાલીમ આપવામાં આવી અને ત્યારબાદ તેને ડોનેટ્સ્કના ફ્રન્ટલાઇન પર મોકલી દેવામાં આવ્યો. અહીં ત્રણ દિવસ સુધી તેણે લડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત બોમ્બબારી અને મૃત્યુના ભય વચ્ચે તેણે અંતે સરેન્ડર કરવાનો નિર્ણય લીધો. તેના જણાવ્યા મુજબ, તે 2-3 કિલોમીટર સુધી ચાલીને યુક્રેનની સેના સુધી પહોંચ્યો અને તેમને જોઈને પોતાના હથિયાર નીચે મૂકી દીધા.
યુક્રેનિયન સેનાએ સાહિલનો એક વિડીયો જાહેર કર્યો છે, જેમાં તે રશિયન ભાષામાં કહે છે કે, “હું અભ્યાસ માટે રશિયા આવ્યો હતો, પરંતુ ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો અને કોર્ટ દ્વારા મને 7 વર્ષની સજા થઈ. બાદમાં સેનાએ કહ્યું કે જો જેલમાં નહીં જવું હોય તો યુદ્ધમાં જોડાવું પડશે. મેં તે સ્વીકાર્યું, પરંતુ મને વચન આપેલા પૈસા મળ્યા નહીં. તાલીમ બાદ ફ્રન્ટ પર મોકલવામાં આવ્યો, જ્યાં સતત મૃત્યુનો ભય હતો. અંતે મારા કમાન્ડરે કહ્યું કે સરેન્ડર કરી દે, તેથી મેં યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કર્યું. હવે હું ઘરે જવા માંગું છું, રશિયામાં પાછો જવા નથી માંગતો.”
આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય અને કિવ સ્થિત ભારતીય દૂતાવાસે પ્રતિસાદ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ સમગ્ર પ્રકરણની વિગતોની ખરાઈ કરી રહ્યા છે અને સ્થાનિક સત્તાધિકારીઓ સાથે સંપર્કમાં છે. હાલ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કે રાજદ્વારી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ રશિયા-યુક્રેન યુદ્ધમાં વિદેશી વિદ્યાર્થીઓની સંકળાયેલા જોખમો અંગે ચિંતાઓ વધારી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel