ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ ગયા વર્ષે આપેલા પોતાના અચાનક રાજીનામાને લઈને આખરે મૌન તોડ્યું છે. રાજસ્થાનના ચૂરૂ જિલ્લામાં યોજાયેલી એક જાહેર સભામાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે તેમના રાજીનામા પાછળ ખરાબ તબિયત કારણ નહોતું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય લીધો હતો. ધનખડએ કહ્યું કે જીવનમાં સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે અને ‘પહેલું સુખ તે જાતે નર્યા’ જેવી કહેવત મુજબ તેમણે હંમેશા પોતાના આરોગ્ય પ્રત્યે ગંભીરતા દાખવી છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે જ્યારે તેમણે જુલાઈ 2025માં રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારે તેમણે ક્યાંય પણ એવું કહ્યું નહોતું કે તેઓ બીમાર છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે તેઓ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી રહ્યા છે. ધનખડના આ નિવેદન બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોને હવે એક રીતે વિરામ મળ્યો છે.
ધનખડએ 21 જુલાઈ 2025ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ રાજીનામા અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ત્યારે જણાવ્યું હતું કે ધનખડ જેવા સક્રિય નેતા અચાનક કેમ શાંત થઈ ગયા અને રાજીનામા પાછળ કોઈ મોટી વાત છુપાયેલી છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ.
ચૂરૂના પ્રવાસ દરમિયાન ધનખડએ પૂર્વ કોંગ્રેસ સાંસદ રામ સિંહ કસવાંની પણ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે કસવાંની તબિયત અંગે માહિતી મળતા તેઓ તેમની ખબર લેવા માટે અહીં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ મુલાકાતની વ્યવસ્થા કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓએ કરી હતી, જેના કારણે રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને પણ ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
ધનખડના રાજીનામા બાદ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. હવે ધનખડના તાજેતરના નિવેદન બાદ તેમના રાજીનામા અંગે ચાલી રહેલી ચર્ચાઓને નવી દિશા મળી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel