ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સરકારી જમીન પર બનેલી ગેરકાયદે દરગાહ હટાવવાની કાર્યવાહી દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે અને પોલીસે 17 નામજોગ આરોપીઓ સહિત આશરે 100 લોકો સામે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના શંખ સર્કલ પાસે સોમનાથ મંદિરની નજીક 11 જેટલી ગેરકાયદેસર સંપત્તિઓ હટાવવાની કામગીરી 10 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. તેમાં દુકાનો, મકાનો અને ધાર્મિક માળખાઓનો સમાવેશ થતો હતો. મોટાભાગની સંપત્તિઓ હટાવી દેવામાં આવી હતી, પરંતુ સાંજના સમયે જ્યારે તંત્રની ટીમ હઝરત રંગીલાશાહ દરગાહને હટાવવા પહોંચી ત્યારે મોટી સંખ્યામાં બુરખાધારી મહિલાઓ અને બાળકો સાથેનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું. આ ટોળાએ પોલીસ સાથે વિવાદ શરૂ કર્યો અને બાદમાં પથ્થરમારો શરૂ કરી દીધો.
પોલીસે શરૂઆતમાં ટોળાને શાંત કરવાની કોશિશ કરી, પરંતુ સ્થિતિ બેકાબૂ થતાં હળવો લાઠીચાર્જ અને ત્રણ ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા. ત્યારબાદ ટોળું વિખેરાયું અને સ્થિતિ નિયંત્રણમાં આવી. આ હુમલામાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.વી. પટેલ અને સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમાર ઈજાગ્રસ્ત થયા હતા.
હુમલા બાદ પોલીસે તાત્કાલિક કોમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું અને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી. નાયબ મામલતદાર રણજીતસિંહ ખેરેની ફરિયાદના આધારે BNSની કલમ 189(2), 189(3), 189(5), 190, 191(2), 195(1), 125, 121(1) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો છે. મુખ્ય આરોપીઓમાં રફીક ગઢીયા, શબાના હારુન મોઠીયા, રજીયા હુસૈન કાલવાત, સાકીલ ઉર્ફે ભૂરો, ગુલામ સાબિર ડૉક્ટર, રાજુશા હિનફશા બાનવા, શકીલ ઉર્ફે ગલી કાલવાત, ઓબામા, નદીમ કાલવાણીયા, અયુબ બદામ, રફીક ઉર્ફે બોદુ, સબ્બીર મૌલાના, સુફિયાન કાલવાણીયા, મયુદ્દીન હનીફ મહિડા, સબ્બીર ઇકબાલ અને સબ્બીર હારુનનો સમાવેશ થાય છે.
ફરિયાદી રણજીતસિંહ ખેરે જણાવ્યું કે તેમની ટીમ સરકારી જમીન પર બનેલી ગેરકાયદે દરગાહને હટાવવા પહોંચી હતી ત્યારે ટોળાએ પોલીસના સમજાવવાના છતાં સરકારી કામમાં દખલ કરી અને હુમલો કર્યો. તેમણે કહ્યું કે પોલીસએ લાઠીચાર્જ અને ટિયર ગેસના સેલ છોડ્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી અને ગેરકાયદે દરગાહને ધ્વસ્ત કરવામાં આવી હતી.
તંત્રના જણાવ્યા મુજબ, પ્રભાસ પાટણમાં સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી યથાવત ચાલુ રહેશે અને કાયદો હાથમાં લેનારા અથવા સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારા સામે કડક પગલાં લેવાશે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, જ્યારે હુમલામાં સામેલ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel