ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગુનેગારો તથા અસામાજિક તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને કાયદાનું શાસન જાળવવા માટે ગુનેગારોના મનમાં પોલીસનો ખોફ હોવો અત્યંત જરૂરી છે. તેમણે પોલીસ અધિકારીઓને ‘ફ્રી હેન્ડ’ આપતા આદેશ કર્યો કે જો કોઈ વ્યક્તિ સમાજની સુરક્ષાને જોખમમાં મૂકે, કાયદો પોતાના હાથમાં લે અથવા જાહેર શાંતિ ભંગ કરે, તો તેની સામે એવી કડક કાર્યવાહી કરો કે ફરીથી ગુનો કરવાની હિંમત પણ ન થાય. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુનેગારો પોતાની આદતો બદલે કે નહીં તે તેમની સમસ્યા છે, પરંતુ પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની નરમાશ કે ઢીલાશ સહન કરવામાં આવશે નહીં.
આ સાથે જ તેમણે ‘ખાખીનો ખોફ અને કાયદાનું શાસન’ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત થવો જોઈએ. જેમ મંત્રીઓ લોકો સાથે સીધો સંપર્ક રાખે છે, તેમ પોલીસ અધિકારીઓએ પણ લોકો માટે નિશ્ચિત સમય નક્કી કરી તેમને મળવું જોઈએ, જેથી નાગરિકો પોતાની ફરિયાદો અને સમસ્યાઓ નિર્ભયપણે રજૂ કરી શકે. તેમણે જણાવ્યું કે પોલીસ સ્ટેશનોમાં એવું વાતાવરણ બનવું જોઈએ કે સારા નાગરિકોને વિશ્વાસ અને સુરક્ષાની લાગણી થાય, જ્યારે ગુનેગારોના મનમાં સતત ડર રહે. અંતમાં તેમણે ગુનેગારોને સીધી ચેતવણી આપતાં કહ્યું કે, “જો ગુનેગારોની જેમ વર્તશો, તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો,” અને સ્પષ્ટ કરી દીધું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel