સુપ્રીમ કોર્ટે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના (12 જૂન 2025) સાથે જોડાયેલી અરજીઓની વહેલી તકે સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. એક સામાજિક સંસ્થાએ આ મામલે જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ દરમિયાન નાગરિકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થયું છે. બુધવારે સુપ્રીમ કોર્ટે એક NGO દ્વારા દાખલ કરાયેલી આ અરજી પર સુનાવણી કરવાની સંમતિ આપી છે.
આ જાહેર હિતની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 12 જૂને થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની સત્તાવાર તપાસમાં જીવનના અધિકાર, સમાનતાના અધિકાર સહિત મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાએ દેશભરમાં ભારે આઘાત સર્જ્યો હતો અને તેની તપાસ પ્રક્રિયા પર પણ સવાલો ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 2 વાગ્યે એર ઈન્ડિયાની બોઈંગ 787-8 વિમાન, ફ્લાઈટ નંબર AI171, અમદાવાદથી લંડનના ગેટવિક માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં કુલ 260 લોકોના મોત થયા હતા, જેમાં 241 મુસાફરો અને બાકીના ક્રૂ સભ્યો સામેલ હતા. ફ્લાઈટનું સંચાલન પાયલટ ઇન કમાન્ડ કેપ્ટન સુમિત સભરવાલ અને કો-પાયલટ કેપ્ટન ક્લાઈવ કુંદર કરી રહ્યા હતા.
NGOની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે બુધવારે SIR સંબંધિત અરજીઓની સુનાવણી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ નજીકની તારીખ આપવામાં આવશે. મહત્વનું છે કે ગયા વર્ષે 13 નવેમ્બરે ઉચ્ચ કોર્ટે જણાવ્યું હતું કે દુર્ઘટના સંબંધિત AAIBની પ્રાથમિક રિપોર્ટમાં દિવંગત પાયલટ કેપ્ટન સુમિત સભરવાલને દોષિત માનવામાં આવ્યા નથી.
આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક DGCAને નોટિસ ફટકારી હતી. આ નોટિસ કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીના આધારે આપવામાં આવી હતી, જેમાં તપાસની દિશા અને રિપોર્ટિંગ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
બુધવારે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ સમક્ષ જાહેર હિતની અરજી કરનાર NGO ‘સેફટી મેટર્સ ફાઉન્ડેશન’ તરફથી વકીલ પ્રશાંત ભૂષણએ દલીલ કરી હતી કે હજુ સુધી કેન્દ્ર સરકાર કે વિમાન દુર્ઘટના તપાસ બોર્ડ (AAIB)એ કોઈ અરજી પર પોતાનો જવાબ દાખલ કર્યો નથી. પાયલટ સંગઠનોનું પણ કહેવું છે કે બોઈંગ 787 વિમાનમાં ટેકનિકલ સમસ્યાઓ હોવાની આશંકા છે અને તેને ગ્રાઉન્ડ કરવું જોઈએ.
આ મામલે વિવાદ ત્યારે વધુ વધ્યો હતો જ્યારે જુલાઈ 2025માં અમેરિકાના અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટમાં પાયલટોની કોકપિટ વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે કોકપિટમાં થયેલી વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે વિમાનની ફ્યુઅલ સ્વિચ સીનિયર પાયલટ દ્વારા બંધ કરવામાં આવી હતી. ફર્સ્ટ ઓફિસર પાયલટે આ અંગે સવાલ કર્યો હોવા છતાં સીનિયર પાયલટે કોઈ જવાબ ન આપ્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.
જો કે, આ દાવા પર AAIBએ સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે પ્રાથમિક રિપોર્ટના આધારે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સંસ્થાએ કહ્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદનશીલતા અને સન્માન રાખવું જરૂરી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ તારણ ન કાઢવું જોઈએ.
આ સાથે જ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સએ પણ અમેરિકન મીડિયાના દાવાઓને ફગાવ્યા હતા. સંગઠનનું કહેવું હતું કે વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ પાયા વિહોણો છે અને તેની સામે કાયદેસર પગલાં લેવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પ્રાથમિક તપાસ રિપોર્ટમાં ક્યાંય પણ એવું લખવામાં આવ્યું નથી કે પાયલટે જ ફ્યુઅલ સ્વિચ બંધ કરી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel