રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફ દરગાહની અંદર પ્રાચીન શિવ મંદિર હોવાનો દાવો કરતી વધુ એક અરજીને અદાલતે સ્વીકારી લેતા મામલાએ નવો વળાંક લીધો છે. અજમેરની જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મહારાણા પ્રતાપ સેના (MPS) દ્વારા દાખલ કરાયેલી આ અરજીને મંજૂરી આપીને તેને અગાઉ હિંદુ સેના દ્વારા દાખલ કરાયેલી સમાન અરજી સાથે ક્લબ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે આ કેસમાં રાજ્ય સરકાર, આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (ASI) તેમજ અજમેર દરગાહ કમિટીને નોટિસ જારી કરી છે અને તમામ પક્ષોને પોતપોતાના જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે બંને અરજીઓ પર એકસાથે આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા સપ્ટેમ્બર 2024માં હિંદુ સેનાએ દરગાહની અંદર શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી દાખલ કરી હતી, જે બાદ હવે બીજી અરજી જોડાતા મામલો વધુ મજબૂત બન્યો છે.
આ કેસમાં ખાસ વાત એ છે કે ભલે મહારાણા પ્રતાપ સેના દ્વારા અરજી 2024માં કરવામાં આવી હોય, પરંતુ કોર્ટે સંસ્થાના પ્રમુખ રાજવર્ધનસિંહ પરમારને મુખ્ય પક્ષકાર તરીકે માન્યતા આપી છે. કોર્ટે જણાવ્યું કે રાજવર્ધનસિંહે આ મુદ્દે સૌથી પહેલા પહેલ કરી હતી, કારણ કે તેમણે વર્ષ 2022માં જ અજમેર દરગાહ નીચે પ્રાચીન શિવ મંદિર હોવાના દાવા સાથે રાષ્ટ્રપતિને અરજી મોકલી હતી. આ આધારે અદાલતે માન્યું કે મુદ્દાની શરૂઆત તેમની તરફથી થઈ હતી, તેથી હવે દરગાહ કમિટી અને રાજ્ય સરકારને તેમના દાવા સામે કોર્ટમાં લેખિત જવાબ દાખલ કરવો પડશે.
અહેવાલ અનુસાર રાજવર્ધનસિંહ પરમારે દાવો કર્યો છે કે અજમેર શરીફ દરગાહ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના સમયના શહેર ‘અજયમેરુ’નો જ એક ભાગ છે અને દરગાહની નીચે આજેય પ્રાચીન શિવ મંદિર બંધ હાલતમાં અસ્તિત્વમાં છે. તેમણે પોતાના દાવાને સમર્થન આપવા માટે મહેસૂલ વિભાગના જૂના નકશા તેમજ શિવલિંગના કહેવાતા પ્રાચીન ફોટોગ્રાફ્સ પણ અદાલતમાં રજૂ કર્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ મુદ્દે જનસમર્થન મેળવવા માટે તેમણે સમગ્ર રાજસ્થાનમાં લગભગ 7,800 કિલોમીટરની પદયાત્રા કરી હતી, દરમિયાનમાં 1.25 લાખથી વધુ લોકોના હસ્તાક્ષર એકત્રિત કરીને સોગંદનામા તૈયાર કરવામાં આવ્યા, જે કોર્ટમાં રજૂ કરાયા છે. તેમના જણાવ્યા મુજબ આ મામલો લાખો હિંદુઓની આસ્થાથી જોડાયેલો છે અને જો દરગાહ પરિસરમાં વૈજ્ઞાનિક રીતે ખોદકામ કરવામાં આવે તો પ્રાચીન શિવ મંદિરના અવશેષો ચોક્કસ મળી આવશે. હવે 21 ફેબ્રુઆરીની સુનાવણીમાં અદાલત આ તમામ દાવાઓ અને જવાબો પર વિચારણા કરશે, જેને કારણે આ સંવેદનશીલ મામલે આગળની દિશા સ્પષ્ટ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel