શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય રંગછટાવાળો માહોલ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માઇભક્તિમાં લીન થઈ મા અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અંબાજીના ધામમાં ત્રીજા દિવસે જ 7.70 લાખથી વધુ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું, જ્યારે ચોથા દિવસે આ આંકડો વધુ વધવાની શક્યતા છે. સમગ્ર પ્રાંગણમાં “બોલ માડી અંબે… જય જય અંબે”ના નારા ગુંજતા ભક્તિનો અદભૂત માહોલ સર્જાયો છે.
આ મેળાની વિશેષતા માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી નથી, પરંતુ અહીં પ્રસાદ વિતરણ દ્વારા એક અનોખો સામાજિક અને સાંસ્કૃતિક સંગમ પણ જોવા મળે છે. “અંબાજી પ્રસાદ ઘર” ભક્તોને માતાજીનો પ્રસાદ પહોંચાડવા માટે કેન્દ્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. અહીં 27 પ્રસાદ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાંથી અત્યાર સુધી 11 લાખથી વધુ પ્રસાદના પેકેટ્સ ભક્તોમાં વિતરણ થઈ ચૂક્યા છે. કુલ 700 જેટલા આદિવાસી કારીગરો પ્રસાદ બનાવવાના પવિત્ર કાર્યમાં જોડાયેલા છે. ખાસ વાત એ છે કે પ્રસાદ બનાવતી વખતે આદિવાસી પુરુષો પરંપરાગત લોકગીતો ગાઈને પ્રસાદને ભક્તિમય સ્પર્શ આપે છે, જ્યારે મહિલાઓ ગરબે ઘૂમી માતાજીની ભક્તિમાં રંગાયેલી રહે છે. આ રીતે પ્રસાદ માત્ર ભોજન નથી, પરંતુ તેમાં શ્રદ્ધા, સંગીત અને પરંપરાનો સંયોજન અનુભવાય છે.
✨ ભાદરવી પૂનમ મહામેળો-2025 ✨
અંબાજી પ્રસાદ ઘર: ૭૦૦+ આદિવાસી બાંધવો દ્વારા ભક્તિભાવે બનતો મોહનથાળ પ્રસાદ 🙏
લોકગીતો અને પરંપરા વચ્ચે રોજગારી, સેવા અને આસ્થા નો અનોખો સંગમ..!!🚩🚩#BhadraviPoonamMela #Ambaji @CMOGuj @InfoGujarat @JayantiRavi pic.twitter.com/7j36H1CqAj
— Collector & DM Banaskantha (@CollectorBK) September 2, 2025
હાલ સુધીમાં 651 ઘાણ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે, દરેક ઘાણમાં 326.5 કિલો મોહનથાળ બને છે. જેમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 76.5 કિલો ઘી અને 200 ગ્રામ ઈલાયચીનો ઉપયોગ થાય છે. આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવાનો આયોજન છે, જે 30 લાખથી વધુ પેકેટ્સમાં વિતરિત કરવામાં આવશે. આ માટે કુલ 90,000 કિલો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો ઘી અને 180 કિલો ઈલાયચીનો ઉપયોગ થવાનો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્રે ભક્તોની સુવિધા માટે વિશાળ આયોજન કર્યું છે. પ્રસાદની સાથે દર્શન, રહેવા અને આરોગ્ય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અંદાજ મુજબ આ વર્ષે 30 લાખથી વધુ માઇભક્તો મેળામાં ભાગ લેશે. પ્રસાદ વિતરણની આ અનોખી પરંપરા માત્ર ભક્તોને માઇઅંબાના આશીર્વાદનો સ્વાદ નથી અપાવતી, પરંતુ સ્થાનિક આદિવાસી સમાજને રોજગારી સાથે તેમની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવાની તક પણ આપે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel