ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા મહિલાઓનાં ગર્ભાશયનાં કેન્સર અટકાવવા અભિયાન હાથ ધરાયું છે. રાજકોટની સંસ્થાના સંકલન વડે ટીંબી સાથે ઉમરાળા અને રંઘોળાથી રસીકરણ જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ થયો છે.
કેન્સર રોગ સંદર્ભે અટકાયતી પગલાં અને જાગૃતિ સંદર્ભે ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ દ્વારા રાજકોટ સ્થિત જાણીતી સંસ્થા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન, કુંડારિયા એનિમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ તથા સૌરાષ્ટ્ર કિડની કેર ફાઉન્ડેશન અંતર્ગત આયોજન હાથ ધરાયું છે.
ગ્લોબલ કર્મા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અમેરિકા સંસ્થાનાં સૌજન્ય સાથે રાજકોટની આ સંસ્થાના સંકલન વડે ટીંબીમાં માતુશ્રી ગૌરીબેન જેરામભાઈ કાસોદરિયા કન્યા કેળવણી સંકુલમાં અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય સાથે આ અભિયાન પ્રારંભ થયો છે. આ અભિયાનનો ટીંબી સાથે ઉમરાળા તથા રંઘોળામાં માધ્યમિક શાળાઓથી (એચ.પી.વી.) રસીકરણ જાગૃતિ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કુંડારિયા સંસ્થાનાં વડા હસમુખભાઈ પટેલે કેન્સર અને આગોતરી જાગૃતિ વિશેનાં કાર્યક્રમો વિશે પ્રાસંગિક વાતો કરી અને દીકરીને કરિયાવરમાં આ રસીકરણ કરાવી આપવા કહ્યું.
અહીંયા રાધિકાબેન જાવિયા દ્વારા કુમારિકાઓ, યુવતીઓ સહિત મહિલાઓને થતાં સ્તન અને ગર્ભાશય કેન્સર તેમજ યુવાનો સહિત પુરુષોને થતાં કેન્સર માટે આંકડાકીય વિગતો જણાવી. તેમણે આ બિમારી સામે આગોતરી તકેદારી અનિવાર્ય ગણાવી અને અંહીંના અભિયાનમાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓને જોડાવા ભાર મૂક્યો. હિરલબેન હિંગુ દ્વારા પણ લોહીની ટકાવારી સંદર્ભે વિગતો આપવામાં આવી.
નટુભાઈ રાજપરાએ શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ દ્વારા આ રસીકરણ પ્રક્રિયા અને સંસ્થાઓ તથા દાતાઓની ભૂમિકા સમજાવી. આ વેળાએ બાબુભાઈ (બી.એલ.) રાજપરા, કેળવણી સંકુલ અધ્યક્ષ લવજીભાઈ ભીંગરાડિયા, આચાર્ય હરેશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી.
આ પ્રસંગે પરેશભાઈ ડોડિયાએ આભાર વિધિ સાથે કન્યાઓ માટે આ રસીકરણ લાભ લેવા પરિવાર તેમજ પડોશ માટે આગ્રહ જણાવ્યો.
સંચાલનમાં આશુતોષપરી અતિત રહ્યાં હતાં. આ ઉપક્રમમાં રાજકોટથી વૈશાલીબેન મજેઠિયા તથા રિયાબેન ગોહિલ સંકલનમાં રહ્યાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel