કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે પોતાના વતન ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોમાં હાજરી આપશે. 28 ડિસેમ્બરે શેલા ખાતે અત્યંત મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઇપલાઇનનું લોકાર્પણ કરશે. ખાસ વાત એ છે કે થોડા સમય અગાઉ શેલાના રહીશોએ ડ્રેનેજ સમસ્યા અંગે અમિત શાહને રજૂઆત કરી હતી, જે બાદ તેમણે અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ પ્રોજેક્ટથી શેલા અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.
લોકાર્પણ બાદ બપોરે 2 વાગ્યે અમિત શાહ ગુરુદ્વારા ગોવિંદધામમાં દર્શન કરશે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનમાં હાજરી આપી યુવા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ અંગે સંબોધન કરશે. સાંજે 6 વાગ્યે તેઓ નમોત્સવ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોની હાજરી રહેવાની સંભાવના છે.
આ ઉપરાંત અમિત શાહ પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઇકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની મુલાકાત પણ લેશે. સાથે જ સાબરમતી નદી વિસ્તારના પુનર્વિકાસ અંતર્ગત ત્યાં રહેતા લોકોને પુનર્વસન અને સર્ટિફિકેશનનું વિતરણ કરશે. કુલ મળીને આ મુલાકાત દરમિયાન વિકાસ, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સાથે-સાથે ભાજપના સંગઠનાત્મક સંદેશો પણ આપવામાં આવશે, જેને કારણે તેમની ગુજરાત મુલાકાત રાજકીય અને વિકાસની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel