વડોદરામાં ધર્મ પરિવર્તનને લઈને એક અનોખો અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે સત્તાવાર અરજી કરી છે. આ સાથે તે પોતાનું નામ બદલીને ‘હાર્દિક પટેલ’ રાખવા ઈચ્છા વ્યક્ત કરી છે.
બાળપણમાં દત્તક, પછી ખુલ્યો સત્ય
માહિતી મુજબ, મોહમ્મદ સિરાજ મૂળ સુરતનો રહેવાસી છે. બાળપણમાં તેના માતા-પિતાએ તેને છોડી દીધા હતા, ત્યારબાદ એક મુસ્લિમ પરિવારે તેને દત્તક લઈને ઉછેર કર્યો હતો.
યુવક મોટો થયા બાદ તેને પોતાના મૂળ વિશે માહિતી મળી હતી કે તે જન્મથી હિન્દુ હતો. આ સત્ય જાણવા મળ્યા બાદ તેણે પોતાના મૂળ ધર્મમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે.

આર્યસમાજ મારફતે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા
સિરાજે પ્રતાપનગર આર્યસમાજ સંસ્થા મારફતે ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે. સાથે જ, તેણે વડોદરા કલેક્ટર કચેરીમાં પણ સત્તાવાર અરજી અને સોગંદનામું રજૂ કર્યું છે. ધર્મ પરિવર્તનની પ્રક્રિયા માટે સરકારની મંજૂરી જરૂરી હોવાથી હવે તેને કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
યુવકનું નિવેદન: ‘મારા મૂળ ધર્મમાં પરત ફરવું છે’
મોહમ્મદ સિરાજે જણાવ્યું કે, તેનો જન્મ સુરતના મીઠાખળી વિસ્તારના અંબેડકરનગરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરે તેના માતા-પિતાએ તેને છોડી દીધા હતા. ત્યારબાદ ગુલદીન અન્સારી નામના વ્યક્તિએ તેનો ઉછેર કર્યો હતો.
તેના પિતા ગુલઝારીલાલ પટેલ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હાલમાં તેમનો કોઈ પત્તો નથી. હવે પોતે મૂળ હિન્દુ હોવાનું જાણવા મળતા તે પોતાના ધર્મમાં પરત ફરવા માંગે છે.
દેશમાં હાલમાં ધર્મ પરિવર્તન, લવ જેહાદ જેવા મુદ્દાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે આ ઘટના વધુ ચર્ચાનો વિષય બની છે. આ કેસ સામાજિક અને કાનૂની બંને દૃષ્ટિએ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel