ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેરાત કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે હવે ચીની નાગરિકો ફરીથી ભારત પ્રવાસ માટે વિઝા માટે અરજી કરી શકશે. વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે ભારતે તમામ ટુરિસ્ટ વિઝા અસ્થાયી રીતે રદ કરી દીધી હતી અને ચીન માટે વિઝા સેવા પણ બંધ કરી દીધી હતી.
વિઝા અરજી પ્રક્રિયામાં બેઇજિંગ વિઝા સેન્ટર ખાતે પાસપોર્ટ પરત લેવા માટે ‘Passport Withdrawal Letter’ ફરજિયાત રહેશે, એમ દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે.
વિશેષ જાણવું જરૂરી છે કે 2020માં ગલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચે થયેલી ઘાતક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. તદનંતર મુસાફરી અને દ્વિપક્ષીય સંપર્કો લગભગ ઠપ્પ થઈ ગયા હતા. હાલ દરમિયાન ચીને ભારતીય વિદ્યાર્થીઓ અને બિઝનેસ વિઝા માટે છૂટછાટ આપી હતી, પણ સામાન્ય પ્રવાસીઓ પર પ્રતિબંધ યથાવત્ રહ્યો હતો.
ઓક્ટોબર 2024માં ડેપ્સાંગ અને ડેમચોકમાંથી સૈનિકો પાછા ખેંચવાના કરાર પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ઉગમ જોવા મળ્યો. કઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકમાં પણ દ્વિપક્ષીય સબંધી વિસ્તૃત ચર્ચા થઈ હતી. હવે બંને દેશો લોકો વચ્ચે સંપર્ક વધુ ગાઢ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
આ અંતર્ગત, ભારતીય સરકાર કૈલાશ-માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનું પણ વિચારી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત-ચીન સંબંધો હવે ધીરે ધીરે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.