આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આજે વહેલી સવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. અહીં ભાગદોડ (સ્ટામ્પીડ)ની ઘટનામાં 10 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવ અને કાર્તિક માસની એકાદશીના પાવન પ્રસંગે દર્શન માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા.
પ્રારંભિક અહેવાલો મુજબ, સવારે મંદિરના પ્રવેશદ્વાર પાસે અચાનક ભીડ ખૂબ વધી ગઈ હતી. વધુ લોકો એકસાથે અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ અને ભાગદોડની પરિસ્થિતિ સર્જાઈ. આ ભાગદોડમાં ઘણા લોકો નીચે પડી ગયા, જ્યારે પાછળથી આવતા ભક્તો તેમને પર ચઢતા ગયા. પરિણામે 10 લોકોનાં મૃત્યુ થયા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
ઘટના બાદ તરત જ સ્થાનિક પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું, અને ઘાયલોને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ઘાયલોના હાલત ગંભીર છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સવારે જ મંદિરમાં ભીડ ખૂબ વધી ગઈ હતી અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હતો. ભીડ નિયંત્રણ માટે પૂરતા પોલીસ કર્મચારીઓ અને બેરિકેડિંગની વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ ઝડપથી બેકાબૂ બની ગઈ. મંદિરના આસપાસના વિસ્તારોમાં પણ ભક્તોની અવરજવર એટલી વધી ગઈ કે એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી.
રાજ્ય સરકારએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા છે. પ્રશાસન દ્વારા જાણવા મળી રહ્યું છે કે ક્યાં તબક્કે ભીડ નિયંત્રણમાં ચૂક થઈ અને શું યોગ્ય પૂર્વ તૈયારી ન હતી.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના X (પૂર્વે Twitter) હેન્ડલ પર લખ્યું કે, “શ્રીકાકુલમ જિલ્લાના કાશિબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બનેલી ભાગદોડની ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. મેં અધિકારીઓને તરત જ ઘાયલોના સારવારની યોગ્ય વ્યવસ્થા કરવા અને રાહતકાર્યની વ્યક્તિગત દેખરેખ રાખવા સૂચના આપી છે.”

આ ઘટના પછી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં માતમનું વાતાવરણ છવાયું છે. ભક્તો અને સ્થાનિક લોકોએ પણ પ્રશાસનને આગ્રહ કર્યો છે કે આવતા ધાર્મિક ઉત્સવો દરમિયાન ભીડ નિયંત્રણ માટે કડક પગલાં લેવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel