ગુજરાતના પ્રખ્યાત તીર્થસ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં આ વર્ષે હોળી-પૂર્ણિમાના પાવન અવસર પર ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ પ્રસિદ્ધ ધામમાં 3 માર્ચ 2026ના રોજ ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવોમાંના એક તરીકે આ ઉજવણી થવાની છે. મંદિર ટ્રસ્ટ અને સંતો દ્વારા આ ભવ્ય કાર્યક્રમ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
આ ખાસ પ્રસંગે ભગવાન કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગારથી સજાવવામાં આવશે અને સાત પ્રકારના રંગો સાથે વિશાળ રંગોત્સવ ઉજવાશે. મંદિર પરિસરમાં કુલ 51,000 કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરીને ભક્તોને દિવ્ય રંગોત્સવનો અનુભવ કરાવવામાં આવશે. આ રંગોમાં મુખ્યત્વે ગુલાબી, લાલ, પીળો અને નારંગી સહિતના વિવિધ કલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હોળી અને ધૂળેટીના દિવસે દાદાને પંચરંગી વાઘા તથા રંગબેરંગી ફૂલોથી અલૌકિક શણગાર કરવામાં આવશે. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 વાગ્યે શણગાર આરતી યોજાશે. ત્યારબાદ સવારે 7:30 થી 11:00 વાગ્યા સુધી મંદિર પરિસરમાં સંતો, સ્વામી અને હજારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાઈને ભવ્ય રંગોત્સવની ઉજવણી કરશે.
આ વર્ષે ખાસ આયોજન હેઠળ દાદાને અર્પણ કરવા માટે 7 પ્રકારના કુલ 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચાઈ સુધી રંગના 500 બ્લાસ્ટ કરવામાં આવશે. સાથે જ એર પ્રેશર મશીનો દ્વારા ભક્તો પર રંગ ઉડાડવામાં આવશે. ઉપરાંત 100 રિબિન બ્લાસ્ટ, રંગીન ફાયરવર્ક્સ અને આશરે 10,000 ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવશે, જે સમગ્ર પરિસરને ઉત્સવમય બનાવી દેશે.
હોળી રમ્યા બાદ ઢોલીઓ દ્વારા નાસિક ઢોલના તાલે રાસ-ગરબા અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે. આ સાથે ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને ફૂલોથી અને રંગબેરંગી કાપડોથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે, જે ઉત્સવને વધુ આકર્ષક બનાવશે.
આ મહા રંગોત્સવમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખો ભક્તો હાજરી આપશે. સાથે જ વિદેશથી પણ અનેક શ્રદ્ધાળુઓ દાદાની સાથે હોળી ઉજવવા માટે સાળંગપુરધામ પહોંચશે તેવી શક્યતા છે.
મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું હતું કે ભક્તિના રંગે રંગાવાનો આ જીવનનો અલૌકિક લ્હાવો છે. દાદાની પ્રસાદી રૂપે અર્પિત રંગોથી ભક્તો ભક્તિના રંગે રંગાઈને આનંદ અને ઉત્સાહ સાથે રંગોત્સવ ઉજવશે. તેમણે ઉમેર્યું કે રાજ્યભરમાંથી લાખો ભક્તો આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેશે અને સમગ્ર મંદિર પરિસરને ભવ્ય રીતે રંગબેરંગી ડેકોરેશનથી સજાવવામાં આવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom