અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકની ૧૩ વર્ષીય તરુણી માટે શનિવારનો દિવસ મુસીબત લઈને આવ્યો હતો. શાળામાં સફાઈ દરમિયાન મળેલી એક નાનકડી સેફ્ટી પિન મોઢામાં મૂકવી આ દીકરીને એટલી ભારે પડી કે તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ત્યારબાદ તેને અરવલ્લી પછી હિંમતનગર લઇ જવામાં આવી હતી. પરંતુ સિવિલમાં લાવ્યા બાદ અહીંયાના ઇએનટી તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે ગણતરીની મિનિટોમાં પિન બહાર કાઢી દીકરીને નવું જીવનદાન મળ્યું છે.
મોડાસા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય બીજલ શનિવારે શાળાએ ગઈ હતી. સવારના સમયે શાળામાં સફાઈ ચાલી રહી હતી ત્યારે બીજલને જમીન પર પડેલી એક તીક્ષ્ણ સેફ્ટી પિન મળી હતી. તે સમયે બંને હાથમાં ઝાડુ હોવાથી બીજલે ઉતાવળમાં એ પિનને મોઢામાં દબાવી દીધી હતી. પરંતુ વિધિની વક્રતા જુઓ, સફાઈ કરતાં કરતાં અચાનક તેને ખાંસી આવી અને મોઢામાં રહેલી પિન સીધી ગળાની નીચે ઉતરી ગઈ. પિન ગળી જતાં જ બીજલને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ગભરામણ થવા માંડી. પરિવારે તાત્કાલિક તેને મેઢાસણની સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવી. હિંમતનગરમાં પણ પિન કાઢવી શક્ય ન બનતા અંતે અત્યંત નાજુક હાલતમાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી.
સિવિલના ઇએનટી (ENT) વિભાગના ડો. કલ્પેશ પટેલ અને ડો. શૈલી મહેતાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. એક્સ-રે રિપોર્ટમાં માલૂમ પડ્યું કે અણીદાર પિન ફેફસાંની એકદમ નજીક શ્વાસનળીમાં ફસાયેલી છે. ડો. કલ્પેશ પટેલની સાથે એનેસ્થેસિયા વિભાગના ડો. ભાવના રાવલ અને પ્લમોલોજીસ્ટ ડો. નલીન શાહ, ડો. ઉર્જીતાએ પરામર્શ કરી દૂરબીન (Bronchoscopy) વડે પિન કાઢવાનું નક્કી કર્યું. તબીબોની આ ટીમે અત્યંત ચોકસાઈ પૂર્વક માત્ર ૨ મિનિટમાં જ ફેફસાં પાસે ફસાયેલી પિન બહાર કાઢી લીધી હતી. પિન નીકળતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. દરજીઓ, સુતાર કે ગૃહિણીઓ વારંવાર સોય કે પિન મોઢામાં રાખવાની ભૂલ કરે છે. યાદ રાખો, એક નાનકડી ખાંસી કે છીંક આ આદતને જીવલેણ અકસ્માતમાં ફેરવી શકે છે. સાવચેતી એ જ સલામતી છે.
નાના બાળકોને સિંગ-ચણા કે નાની વસ્તુઓથી દૂર રાખો
“ઘણીવાર બાળકો રમત-રમતમાં સિક્કા, બટન કે પિન મોઢામાં નાખતા હોય છે. આ વસ્તુઓ શ્વાસનળીમાં ફસાય ત્યારે ફેફસાંમાં પંચર કરી શકે છે અથવા ગૂંગળામણથી મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોને ક્યારેય સોય કે તીક્ષ્ણ વસ્તુઓ ન આપવી જોઈએ, તેમજ સિંગ-ચણા કે કાજુ જેવી વસ્તુઓ ખાતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે.”( ડો. કલ્પેશ પટેલ, ઇએનટી વિભાગના પ્રોફેસર, સિવિલ હોસ્પિટલ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel