અમદાવાદની પ્રતિષ્ઠિત LD કોલેજ ઑફ એન્જિનિયરિંગ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે વિવાદ કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઈંડાંની વાનગીઓ પીરસવામાં આવતી હોવાના મુદ્દે ઊભો થયો છે. વિદ્યાર્થીઓના એક વર્ગે આક્ષેપ કર્યો છે કે કેન્ટીનને ‘પ્યોર-વેજ’ તરીકે રજૂ કરવામાં આવે છે, છતાં ત્યાં ઓમલેટ સહિતની ઈંડાં આધારિત વાનગીઓ તૈયાર કરીને વેચવામાં આવી રહી હતી.
આ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ પ્રશાસન તેમજ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) સમક્ષ લેખિત રજૂઆત કરતાં સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓનો મુદ્દો ઉઠાવ્યો
ફરિયાદમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ શાકાહારી છે અને ‘પ્યોર-વેજ’ તરીકે ઓળખાતી કેન્ટીનમાં ઈંડાંની વાનગીઓનું વેચાણ તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
વિદ્યાર્થીઓનો દાવો છે કે કેન્ટીનમાં શાકાહારી ખોરાક અને ઈંડાંની વાનગીઓ બનાવવા માટે એક જ તવા તેમજ અન્ય રસોઈના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત માન્યતાઓ ધરાવતા વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે.
વિદ્યાર્થીઓએ રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે જો કેન્ટીનને ‘પ્યોર-વેજ’ તરીકે ચલાવવામાં આવે છે તો ત્યાં કોઈપણ પ્રકારની ઈંડાં આધારિત વાનગીઓ વેચવી યોગ્ય નથી.
કોલેજ પ્રશાસન દ્વારા તપાસ બાદ નોટિસ ફટકારાઈ
મામલો સામે આવ્યા બાદ LD કોલેજ પ્રશાસને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની ચકાસણી કરવામાં આવી હતી.
કોલેજના પ્રિન્સિપાલ એન. એન. ભૂપ્તાનીએ જણાવ્યું હતું કે કેન્ટીન સંચાલકને સત્તાવાર નોટિસ પાઠવીને ઈંડાંની વાનગીઓ પીરસવાનું તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે કેન્ટીન સંચાલકે કોલેજના આદેશનું પાલન કરવાની ખાતરી આપી છે.
નિયમોનું પાલન નહીં થાય તો કરાર રિન્યૂ નહીં થાય
કોલેજ પ્રશાસને માત્ર નોટિસ જ નહીં પરંતુ કડક ચેતવણી પણ આપી છે. જો કેન્ટીન સંચાલક ફરીથી સૂચનાનું ઉલ્લંઘન કરશે તો તેનો કરાર આગળ વધારવામાં નહીં આવે.
હાલમાં કેન્ટીનનો છ મહિનાનો કરાર ચાલી રહ્યો છે અને આગામી એક મહિનામાં તે પૂર્ણ થવાનો છે. કોલેજે સ્પષ્ટ કર્યું છે કે નિયમોના ભંગની સ્થિતિમાં કરાર રિન્યૂ કરવાની કોઈ શક્યતા રહેશે નહીં.
સાથે જ શિક્ષકો અને સંબંધિત અધિકારીઓને નિયમિત દેખરેખ રાખવા માટે સૂચના આપવામાં આવી છે જેથી કોલેજના આદેશોનું પાલન થાય છે કે નહીં તેની ખાતરી કરી શકાય.
અગાઉ પણ થઈ હતી ફરિયાદ
મહત્વની બાબત એ છે કે આ પ્રકારની ફરિયાદ પ્રથમ વખત સામે આવી નથી. કોલેજ પ્રશાસનના જણાવ્યા મુજબ લગભગ દોઢ મહિના અગાઉ પણ વિદ્યાર્થીઓએ સમાન ફરિયાદ કરી હતી.
તે સમયે પણ કેન્ટીન સંચાલકને નોટિસ આપવામાં આવી હતી અને જણાવાયું હતું કે ઈંડાંની વાનગીઓ અલગ વાસણોમાં બનાવવામાં આવશે. જોકે વિદ્યાર્થીઓનો દાવો છે કે બાદમાં પણ એક જ વાસણોનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. આ કારણે વિદ્યાર્થીઓએ ફરીથી લેખિત રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પણ પ્રશ્નો
ઈંડાંની વાનગીઓના મુદ્દા ઉપરાંત વિદ્યાર્થીઓએ કેન્ટીનમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતીના ધોરણો અંગે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કેન્ટીનમાં મળતા ખોરાકના સ્વાદ અને ગુણવત્તા અંગે લાંબા સમયથી ફરિયાદો ચાલી રહી છે. હવે પ્રશાસન દ્વારા સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
કોલેજ પ્રશાસનનું કહેવું છે કે વિદ્યાર્થીઓના આરોગ્ય અને તેમની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ પગલાં લેવામાં આવશે અને નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel