અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પરિસ્થિતિઓનું વધુ અસરકારક સંચાલન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અદ્યતન રેઇનફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સિસ્ટમના કારણે હવે શહેરમાં માત્ર શહેર સ્તરે જ નહીં પરંતુ વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી મેળવી શકાશે.
વેબ આધારિત ઇન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના માધ્યમથી વરસાદની તીવ્રતા, હવામાનમાં થનારા ફેરફારો અને સંભવિત જોખમો અંગે અગાઉથી ચોક્કસ માહિતી પ્રાપ્ત થશે. જેના કારણે સંબંધિત વિભાગો સમયસર તૈયારી અને જરૂરી કાર્યવાહી કરી શકશે.
C-DAC પુણેના ડેટાનો થશે ઉપયોગ
નવી ફોરકાસ્ટિંગ સિસ્ટમ માટે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC), પુણે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) ડેટાનો ઉપયોગ કરવામાં આવશે.
આ ડેટા આધારીત મોડેલિંગથી શહેરના હવામાન, વરસાદના વિતરણ, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે વધુ સચોટ આગાહી કરી શકાશે. આધુનિક ટેક્નોલોજી અને ડેટા એનાલિટિક્સના કારણે આગાહીની ચોકસાઈમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
વોર્ડ લેવલ રેઇનફોલ ફોરકાસ્ટથી મળશે વધુ સચોટ માહિતી
આ સિસ્ટમની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે હવે અમદાવાદના દરેક વોર્ડ માટે અલગ-અલગ વરસાદની આગાહી ઉપલબ્ધ થશે.
WRF (Weather Research and Forecasting) મોડલના 1.5 કિલોમીટર રિઝોલ્યુશન આધારિત ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ ડેટા દ્વારા વરસાદનું વિશ્લેષણ કરવામાં આવશે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે તેની વિગતવાર માહિતી મેળવી શકાશે.
ખાસ કરીને રંગ આધારિત મેપિંગ સિસ્ટમ દ્વારા કયા વિસ્તારમાં હળવો, મધ્યમ કે ભારે વરસાદ થવાની શક્યતા છે તે સરળતાથી જાણી શકાશે.
પાણી ભરાવાની સ્થિતિ સામે અગાઉથી તૈયારી શક્ય બનશે
અમદાવાદમાં દર વર્ષે ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. નવી સિસ્ટમના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના અંગે અગાઉથી જાણકારી મળી શકશે.
આ માહિતીના આધારે AMC, ફાયર બ્રિગેડ, ડ્રેનેજ વિભાગ અને અન્ય એજન્સીઓ જરૂરી સાધનો અને કર્મચારીઓની અગાઉથી વ્યવસ્થા કરી શકશે. જેના કારણે વરસાદ દરમિયાન સર્જાતી તકલીફો અને ઇમરજન્સી પરિસ્થિતિઓને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાશે.
હવાની ગુણવત્તા અને હવામાન પર પણ રહેશે નજર
નવી સિસ્ટમ માત્ર વરસાદની આગાહી પૂરતી મર્યાદિત નથી. તેમાં હવામાનની સ્થિતિ, પવનની ગતિ, ભેજનું પ્રમાણ અને એર ક્વોલિટી જેવા પરિબળોનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે.
આના કારણે શહેરના વિવિધ વિભાગોને લાંબા ગાળાના આયોજનમાં પણ મદદ મળશે અને આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બની શકશે.
મોન્સૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે
AMCનું માનવું છે કે આ અદ્યતન ફોરકાસ્ટિંગ સિસ્ટમ શહેરના મોન્સૂન મેનેજમેન્ટને નવી દિશા આપશે. ટેક્નોલોજી આધારિત પૂર્વાનુમાનના કારણે શહેરમાં વરસાદ સંબંધિત સમસ્યાઓનું વધુ અસરકારક સંચાલન શક્ય બનશે.
ખાસ કરીને ભારે વરસાદ, પાણી ભરાવા, ટ્રાફિક અવરોધ અને ઇમરજન્સી પરિસ્થિતિઓ સામે અગાઉથી તૈયારી કરી શકાય તેવી સ્થિતિ સર્જાશે. જેના કારણે નાગરિકોને વધુ સારી અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel