વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઑગસ્ટે દાહોદમાં યોજાયેલી રેલી દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા કેટલાક નેતાઓ તથા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રેલી દરમિયાન દાહોદ-ગોધરા રોડ પરના મુવાલીયા ક્રોસિંગ નજીક રસ્તો અવરોધાતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને એક એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો અટવાઈ ગયા હતા. ત્યારબાદ રસ્તો ખાલી કરાવવાના પ્રયાસ દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી.
રેલી માટે બે રૂટ પર આપવામાં આવી હતી મંજૂરી
DySP જે. પી. ભંડારીના જણાવ્યા મુજબ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ શહેરમાં બે અલગ-અલગ રૂટ પર રેલી યોજવા માટે મંજૂરી આપવામાં આવી હતી. બપોરે આશરે 12 વાગ્યે બંને રેલીઓ શરૂ થઈ હતી અને શરૂઆતમાં માહોલ શાંતિપૂર્ણ રહ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, એક રેલી અડધો રૂટ પૂર્ણ કરીને દાહોદ-ગોધરા રોડ પર આવેલા મુવાલીયા ક્રોસિંગ વિસ્તારમાં પહોંચી ત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. તેમના હાથમાં ‘I Support Chaitar Vasava’ લખેલા બેનરો હતા અને ડીજે તથા વાહનો સાથે તેઓ રેલીમાં જોડાયા હતા.
રસ્તો બ્લોક થતાં ટ્રાફિક જામ, એમ્બ્યુલન્સ પણ ફસાઈ
પોલીસનો દાવો છે કે ડીજે અને વાહનોને કારણે રસ્તો અવરોધાયો અને થોડા સમયમાં ટ્રાફિક જામ સર્જાયો. જામમાં એક એમ્બ્યુલન્સ, સરકારી બસ તેમજ અન્ય વાહનો પણ અટવાઈ ગયા હતા.
પોલીસ અધિકારીઓએ રસ્તો ખુલ્લો કરવાની અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોને પસાર થવા દેવાની સૂચના આપી હતી. જોકે, પોલીસના જણાવ્યા અનુસાર, વારંવાર સમજાવ્યા છતાં પરિસ્થિતિમાં સુધારો થયો નહોતો, જેથી ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
પોલીસનો આરોપ : ટોળાને ઉશ્કેરાયા બાદ થયો પથ્થરમારો
પોલીસના જણાવ્યા પ્રમાણે, સમજાવટ દરમિયાન કેટલાક લોકો ઉશ્કેરાયા અને ધક્કામુક્કી શરૂ થઈ. ત્યારબાદ ટોળામાંથી પોલીસ તરફ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈ પોલીસે બળપ્રયોગ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસનું કહેવું છે કે સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ રેલીને ફરી આગળ વધવા દેવામાં આવી હતી.
CCTV અને બોડી વૉર્ન કેમેરાના ફૂટેજની થશે તપાસ
દાહોદ પોલીસે જણાવ્યું છે કે ઘટનાના CCTV ફૂટેજ તેમજ પોલીસકર્મીઓના બોડી વૉર્ન કેમેરામાં કેદ થયેલા દૃશ્યોની વિગતવાર તપાસ કરવામાં આવશે. ફૂટેજના આધારે પોલીસ પર પથ્થરમારો કરનાર, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અથવા કાયદો-વ્યવસ્થા ભંગ કરનાર વ્યક્તિઓની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાથમિક માહિતી મુજબ, આ ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનામાં કોઈ ગંભીર ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે, સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ ચાલુ છે.
‘I Support Chaitar Vasava’ના બેનરો બન્યા ચર્ચાનો વિષય
રેલી દરમિયાન ‘I Support Chaitar Vasava’ લખેલા બેનરો પણ જોવા મળ્યા હતા. ચૈતર વસાવા સાથે જોડાયેલા મુદ્દાને કારણે ઘટનાને રાજકીય રંગ પણ મળ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓને માર મારવાના અને બળજબરીથી પૈસા ઉઘરાવવાના કેસમાં સાત વર્ષની જેલની સજા કાપી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel