પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2015 થી 2025 સુધી દાયકાભર સુધી એક કોન્ટ્રાક્ટરે 100% પોલિએસ્ટર શૉલને શુદ્ધ મલબરી સિલ્ક શૉલ ગણાવીને સપ્લાય કર્યા અને તેના માટે સિલ્ક જેટલા ઊંચા દરે ચુકવણી મેળવી લીધી. આ દાયકાભરની છેતરપિંડીથી TTDને અંદાજે ₹54 કરોડથી વધુનું નુકસાન થયું છે, જેને લઈને ભારે ચકચાર મચી છે.
આ શૉલો મોટા દાતાઓને સન્માનમાં આપવા અને મંદિરની ‘વેદાસિરવચનમ’ જેવી વિધિઓમાં ઉપયોગમાં લેવાતા હતા. TTD બોર્ડના ચેરમેન બી.આર. નાયડુને શૉલની ગુણવત્તા અંગે શંકા થતાં સેમ્પલ બે અલગ લેબમાં, જેમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડની લેબ પણ સામેલ હતી, મોકલાયા. બંને પરીક્ષણોમાં સ્પષ્ટ થયું કે શૉલ પોલિએસ્ટરનો હતો અને તે ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે સાચા સિલ્ક પ્રોડક્ટ્સ પર મળતું ‘સિલ્ક હોલોગ્રામ’ પણ નમૂનાઓમાં નહોતું.
નાયડુએ જણાવ્યું કે એક શૉલની વાસ્તવિક કિંમત લગભગ ₹350 હતી, પરંતુ બિલ ₹1300 સુધી બનાવવામાં આવ્યું હતું. શંકાસ્પદ રીતે આ સપ્લાય મોટાભાગે એક જ ફર્મ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી.
વિજિલન્સ રિપોર્ટ મળ્યા બાદ TTDએ તરત જ આ ફર્મના તમામ ચાલુ ટેન્ડર રદ કરી દીધા અને સમગ્ર મામલો સ્ટેટ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ને સોંપી દીધો છે જેથી ફોજદારી તપાસ થઈ શકે.
ગત વર્ષે જ મંદિર માટે પાંચ વર્ષમાં લગભગ ₹250 કરોડની કિંમતના 68 લાખ કિલો નકલી ઘીની સપ્લાય કરવાનો કૌભાંડ સામે આવ્યું હતું. હવે સતત બીજા મોટા કૌભાંડના ખુલાસાથી TTDની ખરીદી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel