સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટ આપવાના નામે નાગરિકો પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરવાના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક ઉમંગ હરીભાઈ ઠક્કરની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.
પોલીસ તપાસ અનુસાર, આરોપીએ કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં ‘સહજાનંદ નિર્વાણા’ નામે પ્લોટિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે, જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં પ્રોજેક્ટનું માર્કેટિંગ કરી પ્લોટનું બુકિંગ અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.
15થી વધુ લોકો પાસેથી ₹1.56 કરોડ વસૂલ્યાનો આરોપ
કામરેજ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ લોકોને ઓછા ભાવે પ્લોટ આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતા. પ્રોજેક્ટના બેનરો, જાહેરાતો અને સેલ્સ ટીમ મારફતે પ્રચાર કરવામાં આવ્યો હતો. અનેક લોકોએ હપ્તા અથવા એકસાથે રકમ ચૂકવી પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું.
પોલીસ તપાસમાં 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, ફરિયાદીઓનો આરોપ છે કે તેમને ન તો પ્લોટની ફાળવણી કરવામાં આવી અને ન તો ચૂકવેલી રકમ પરત કરવામાં આવી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ એક મહિલા સહિતના ભોગ બનનારાઓએ કામરેજ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
જમીન અન્યના નામે, RERA મંજૂરી પણ નહોતી
તપાસ દરમિયાન પ્રોજેક્ટ માટે દર્શાવવામાં આવેલી જમીન અન્ય વ્યક્તિના નામે હોવાનું અને જમીનના માલિકીહક અંગે કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત પ્રોજેક્ટ માટે જરૂરી RERA મંજૂરી લેવામાં આવી ન હોવાનો પોલીસનો દાવો છે.
કામરેજ પોલીસ સ્ટેશનમાં 2 મે, 2026ના રોજ ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કાંતા ઠક્કર સહિતના આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરાં સંબંધિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉમંગ ઠક્કર લાંબા સમયથી ધરપકડથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આખરે પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેસની વધુ તપાસ ચાલુ હોવાથી અન્ય ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ: PI આર.બી. ગોજિયા
કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયાના જણાવ્યા અનુસાર, આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 અને 318 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસમાં ખોલવડ ગામની ટાઇટલ ક્લિયર ન હોય તેવી જમીન પર ‘સહજાનંદ નિર્વાણા’ પ્રોજેક્ટના નામે પ્લોટ વેચાણ શરૂ કરીને 15થી 16 ફરિયાદીઓ પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
PI ગોજિયાએ જણાવ્યું કે, “આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ આગળ વધતાં અન્ય મહત્વપૂર્ણ વિગતો સામે આવી શકે છે.”
તેજસ વસી (સુરત)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel