ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા મેળામાં ભારે વરસાદના વિઘ્નો છતાં આશરે 40.41 લાખ ભક્તોએ માતાજીના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું. અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ગણાય છે, જેમાં માત્ર રાજ્યમાંથી જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દેશના અન્ય ભાગોમાંથી પણ ભક્તો ઉમટી પડે છે. મેળાનો પ્રારંભ 1 સપ્ટેમ્બરે દાંતા માર્ગ પર માતાજીની રથયાત્રાથી કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તિ અને ભવ્યતા સાથે “આસ્થા તમારી, વ્યવસ્થા અમારી”ના મંત્ર હેઠળ દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું.
આ વર્ષે મેળાની તૈયારીઓમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં વ્યાપક આયોજન થયું હતું, જેમાં બસ સેવા, રોકાણ, ભોજન, પાર્કિંગ, સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાની સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. ખાસ આકર્ષણ તરીકે પ્રથમ વખત 400 ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો, જેમાં આકાશમાં માતાજીના મંદિર, “જય માતાજી”ના શબ્દો અને ત્રિશૂળ જેવા પ્રતીકોના દર્શન થયા, જેણે ભક્તોના હૃદય જીતી લીધા. લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચ્યા, જ્યાં ભજન, કીર્તન અને ધૂનની ગૂંજથી આખું વાતાવરણ ભક્તિમય બન્યું. મેળા દરમિયાન 58,114 યાત્રિકોએ ઉડનખટોલાની સફર કરી જ્યારે એસ.ટી. વિભાગે 13,525 ટ્રિપો દ્વારા 5.92 લાખ યાત્રિકોને સેવા આપી. 3,072 ધજાઓ રોહણ થવાથી ભક્તિની ઉર્જા વધુ પ્રગટ થઈ.
દાન અને પ્રસાદ વિતરણ પણ આ મેળાનો મહત્વનો ભાગ રહ્યો. શ્રદ્ધાળુઓએ મેળા દરમિયાન કુલ ₹2.71 કરોડનું દાન, 232.610 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદી અર્પણ કરી. આ ઉપરાંત 28 પ્રસાદ કેન્દ્રો મારફતે 30 લાખથી વધુ પ્રસાદ પેકેટોનું વિતરણ થયું. 750 કારીગરોએ 1,000થી વધુ ઘાણ મોહનથાળ અને ચીકી બનાવ્યા, જેમાં દરેક ઘાણમાં આશરે 326 કિલો પ્રસાદ તૈયાર થયો. ભક્તોની સુવિધા માટે મંદિર માર્ગ પર રેલિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, વ્હીલચેર અને ઇ-રિક્ષા સેવા જેવી સુવિધાઓ આપવામાં આવી. સુરક્ષા માટે ત્રણ સ્તરીય પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં 5,000થી વધુ પોલીસ જવાનો તહેનાત રહ્યા. બાળકો માટે વિશેષ આઈકાર્ડ વ્યવસ્થા પણ કરવામાં આવી, જેથી ગુમ થયેલા બાળકોને ઝડપથી પરિવાર સાથે મિલાવી શકાય. આરોગ્ય સેવાઓ હેઠળ 3.47 લાખથી વધુ લોકોને સારવાર આપવામાં આવી.
ભારે વરસાદ છતાં ભક્તોનો વિશ્વાસ અડગ રહ્યો. છેલ્લા બે દિવસોમાં વરસાદના કારણે મુશ્કેલીઓ છતાં યાત્રાળુઓએ “અંબાજી દૂર છે, જવાનું જરૂર છે”ના નાદ સાથે યાત્રા ચાલુ રાખી. 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણને કારણે સાંજે 5 વાગ્યા બાદ દર્શન બંધ થયા હોવા છતાં ભક્તોની ભીડ સતત વધતી રહી. મેળો માત્ર ધાર્મિક જ નહીં, પણ સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ સાબિત થયો, કારણ કે મેળા દરમિયાન ભવાઈ, ગરબા, સપ્તશતી પાઠ જેવા કાર્યક્રમો યોજાયા, જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વેપારીઓ, હસ્તકલા કલાકારો અને નાના વેપારીઓ માટે આ મેળો રોજગારીનો મોટો અવસર પણ પૂરું પાડે છે.
અંતિમ દિવસે, 7 સપ્ટેમ્બરે, વિધિવત સમાપન પ્રસંગે ડ્રોન દ્વારા પુષ્પવર્ષા અને રંગબેરંગી પ્રકાશથી સજ્જ મંદિર ભક્તોને મંત્રમુગ્ધ કરી ગયું. અંબાજી શક્તિપીઠ, જે 51 શક્તિપીઠોમાંનું એક છે અને જ્યાં સતીનું હૃદય પડ્યું હોવાનું માનવામાં આવે છે, ત્યાં સ્થાપિત ‘શ્રી વિસા યંત્ર’ની પૂજા દ્વારા લાખો ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી પોતાની યાત્રાને સફળ બનાવી. આ વર્ષે 40 લાખથી વધુ ભક્તોની ઉપસ્થિતિ, ભક્તિપૂર્વકનું દાન અને અડગ વિશ્વાસે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની લોકપ્રિયતા અને પાવનતા વધુ ઉજાગર કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel