ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય ISIS-લિંક્ડ શંકાસ્પદ આતંકીઓની તપાસે હવે ચોંકાવનારી વિગતો બહાર લાવી છે, જે દર્શાવે છે કે તેઓ માત્ર વિચારો સુધી સીમિત નહોતા, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં એક મોટા આતંકી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ATS ને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ISISનો કાળો ધ્વજ, હાર્ડ ડ્રાઇવ, મેમરી કાર્ડ, અનેક મોબાઇલ ફોન અને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશનો સંબંધિત ડિજિટલ મેન્યુઅલ મળ્યા છે. મળેલી સામગ્રીમાં ડાર્ક વેબ ઍક્સેસ, ઓળખ છુપાવવા, VPN, Tor બ્રાઉઝર, કોડવર્ડ ચેટિંગ, IP Masking અને સિક્રેટ ફાઇલ ટ્રાન્સફર જેવી ટેકનિકોની વિગતવાર માહિતી મળી છે. અધિકારીઓનું કહેવું છે કે આ તાલીમ સામગ્રી અને ડિજિટલ સિસ્ટમ દર્શાવે છે કે આ ગેંગ પશ્ચિમ ભારતમાં ફરી ISIS ને પુનઃસજ્જ કરવાની સંકલ્પના સાથે અત્યંત યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ડૉ. અહમદ મોહિયુદ્દીન સૈયદની ભૂમિકા સૌથી ગંભીર માનવામાં આવી રહી છે. ATS અનુસાર, અહમદ માત્ર અનુયાયી નહિ, પરંતુ ભારતની અંદર ISIS માટે ઓપરેશનલ મોડ્યુલ તૈયાર કરી રહ્યો હતો અને તેનો ફોકસ “મોટી ઘટનાને અમલમાં મૂકવાનો” હતો. તપાસમાં ખુલ્યું છે કે અહમદે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા કેટલાક મુખ્ય મંદિરોમાં રેકી કરી હતી, જેથી ત્યાં ભવિષ્યમાં હુમલો શક્ય બને. એટલું જ નહીં, તેનો ડિજિટલ ટ્રેક્સ દર્શાવે છે કે તેણે સાયબર સિક્યુરિટીથી બચવા પ્લાન્ડ રીતથી એપ્લિકેશનો બદલી, ફેક IDs બનાવી, અને માત્ર એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ પર જ સંદેશાવ્યવહાર કર્યો હતો.
બીજા આરોપી સુહેલ ખાનના ઘરમાંથી ATS ને ISISનો ધ્વજ મળવો એ દર્શાવે છે કે તે આ વિચારધારામાં ઊંડો સામેલ હતો. સૂત્રોનું કહેવું છે કે સુહેલ વિદેશી ISIS હેન્ડલર્સ પાસેથી સીધી સૂચનાઓ મેળવી રહ્યો હતો અને રાજ્યમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનું કામ સંભાળી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ધરપકડ પહેલાં સુહેલે ત્રીજા આરોપી આઝાદ સુલેમાન શેખને એક પાર્સલ મોકલાવ્યું હતું. તે પાર્સલની સામગ્રી જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તે “ઓપરેશનલ પ્લાન અથવા આતંકી સાહિત્ય” હોઈ શકે છે. ATS હવે પાર્સલને ડીકોડ કરવાનો પ્રયાસ કરી રહી છે.
તપાસ દરમ્યાન મળેલા CCTV ફૂટેજ પણ ખુબ મહત્ત્વનું ગણાઈ રહ્યું છે. 7 નવેમ્બર 2025ની સાંજે ડૉ. અહમદ અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલ હોટેલ ગ્રાન્ડ એમ્બિયન્સ માંથી બહાર નીકળતો જોવા મળ્યો છે. ATSનું માનેવું છે કે આ મુલાકાત માત્ર રોકાણ માટે ન હોઈ શકે અને શક્ય છે કે તે અહીં કોઈ લોજિસ્ટિક્સ અથવા લોકલ સપોર્ટ સેલ સાથે મીટિંગ કરી રહ્યો હતો.
ડિજિટલ ફોરેન્સિક ટીમો હવે ઉપકરણોમાંથી ડિલીટ થયેલ ફાઇલ્સ પુનઃપ્રાપ્ત કરી રહી છે અને પ્રારંભિક તારણો દર્શાવે છે કે આ આતંકીઓએ ભારતના ઘણા સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. અધિકારીઓનું માનવું છે કે આ માત્ર એક જૂથ નહીં, પરંતુ એક મોટું ISIS રિકન્સ્ટ્રક્શન નેટવર્ક હોઈ શકે છે જે ભારતમાં સ્લીપર સેલ બનાવવા પ્રયત્ન કરી રહ્યું હતું.
આ કેસ હવે NIAને હસ્તાંતરિત કરવાની શક્યતા વધી છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડની સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel