ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આણંદ જિલ્લાના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને ‘વંદે માતરમ’ના ગાન સાથે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિવિધ તાલુકા અને શહેરોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા પ્રભારી તથા પૂર્વ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદરીયા અને આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધતા વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે, જે કાર્યકરોની સતત મહેનત અને બલિદાનનું પરિણામ છે. તેમણે આગલા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો તથા સરકારની યોજનાઓ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ડો. ઋત્વિજ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેના પ્રથમ પ્રમુખ રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે 1951માં ડો. શ્યામા પ્રસાદ મુકર્જી દ્વારા સ્થાપિત ભારતીય જનસંઘમાંથી વિકસેલી આ પાર્ટી ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘અંત્યોદય’ના સિદ્ધાંતો પર કાર્યરત છે. 1984માં માત્ર 2 બેઠકો ધરાવતો પક્ષ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શક્તિ કેન્દ્રના સંયોજકો અને અનેક સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel