ગુજરાતમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સાયબર ઠગોએ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કનું સર્વર હેક કરીને અંદાજે 7 કરોડ રૂપિયાની મોટી ઠગાઈ કરી છે. માહિતી અનુસાર રવિવારની રજાના દિવસે બેન્કની તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિત ચાર શાખાઓના બેન્ક ખાતાઓમાંથી કુલ 350 જેટલા ટ્રાન્ઝેકશન કરીને આ રકમ અન્ય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગુજરાતમાં પહેલીવાર કોઈ કો-ઓપરેટીવ બેન્કના સર્વરને હેક કરીને આટલી મોટી રકમ ટ્રાન્સફર કરાયાનો બનાવ સામે આવ્યો છે.
4 શાખાના ખાતાઓમાંથી 350 ટ્રાન્ઝેકશન
સાયબર ગઠિયાઓએ બેન્કની સોફ્ટવેર સિસ્ટમમાં પ્રવેશ મેળવી ચાર અલગ શાખાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કુલ 350થી વધુ ટ્રાન્ઝેકશન દ્વારા આશરે 7 કરોડ રૂપિયાની રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રતિ ટ્રાન્ઝેકશન રૂ. 2 લાખ સુધીની મર્યાદા હોવાને કારણે ઠગોએ અનેક ટ્રાન્ઝેકશન કરીને રકમ ખસેડી હતી.
બેન્કની સિક્યુરિટી સિસ્ટમ હેક
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સાયબર ગઠિયાઓએ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી બેન્કની સોફ્ટવેર સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો હતો. ડેટા સિક્યુરિટી તોડીને ચાર શાખાઓના અનેક ખાતાઓમાંથી બિનઅધિકૃત રીતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર ઘટનાની તપાસ ગુજરાત રાજ્ય સાયબર સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ચાર મોબાઈલ નંબર શંકાના દાયરામાં
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સાયબર ફ્રોડમાં ચાર અલગ મોબાઈલ ફોનનો ઉપયોગ થયો હતો. ડિજિટલ ટ્રેલના આધારે તપાસકર્તાઓએ ચાર મોબાઈલ નંબરને શંકાના દાયરામાં રાખ્યા છે. આ મોબાઈલ નંબર દ્વારા બેન્ક એપ્લિકેશન મારફતે ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સ્ટેટ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ
બે કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડની ફરિયાદ રાજ્ય સ્તરે નોંધાવવાની પ્રક્રિયા હોવાને કારણે બેન્કના અધિકારીઓ ગાંધીનગર જઈ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. આ મામલે ગાંધીનગર સ્થિત સ્ટેટ સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી: ચેરમેન
બેન્કના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સત્તાવાળાઓને માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે બેન્કની કુલ 88 શાખાઓ અને એક હેડ ઓફિસ છે તેમજ લગભગ 7 લાખ ખાતાધારકો છે. ખાતાધારકોની થાપણ સુરક્ષિત છે અને તેમને ચિંતા કરવાની જરૂર નથી. હાલ સુરક્ષાના પગલાં તરીકે કેટલીક બેંકિંગ સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવી છે, જે ફરીથી બુધવારથી શરૂ થવાની શક્યતા છે.
આ ઘટનાએ ગુજરાતમાં બેન્કિંગ સાયબર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતો માને છે કે બેન્કિંગ સોફ્ટવેર સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂર છે, જેથી આવી ઘટનાઓને ભવિષ્યમાં અટકાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel