પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષની અસર હવે ભારતના દવા ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હુમલાઓને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. પરિણામે દવા બનાવવામાં ઉપયોગ થતા કાચા માલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે. ઉદ્યોગ સાથે જોડાયેલા અહેવાલો મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં વપરાતા ઘણા મહત્વપૂર્ણ ઘટકોના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે ભારતીય દવા કંપનીઓ પર ખર્ચનો બોજ વધી રહ્યો છે.
KSM અને API ના ભાવમાં ભારે ઉછાળો
ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતો અનુસાર દવા ઉત્પાદન માટે અનિવાર્ય એવા ‘કી સ્ટાર્ટિંગ મટિરિયલ’ (KSM) અને ‘એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ’ (API) ના ભાવમાં છેલ્લા દિવસોમાં 5% થી લઈને 100% સુધી વધારો થયો છે. API અને અન્ય કાચા માલનો મોટો હિસ્સો ભારત આયાત કરે છે, જેના કારણે વૈશ્વિક અસ્થિરતા સીધી ભારતીય બજાર પર અસર કરે છે. વધતા ભાવના કારણે દવા કંપનીઓ માટે ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને તેનો સીધો અસર ગ્રાહકો પર પડવાની શક્યતા વધી છે.
યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ
ફાર્મા ઉદ્યોગમાં કાચા માલનો વેપાર મુખ્યત્વે અમેરિકન ડોલરમાં થાય છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ડોલર મજબૂત બનતા આયાત વધુ મોંઘી થઈ જાય છે. ઉપરાંત મધ્ય પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે કેટલાક મહત્વના દરિયાઈ વેપાર માર્ગો જોખમી બની ગયા છે. જહાજો અને કન્ટેનરો સમયસર બંદરો સુધી પહોંચી શકતા નથી, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ 20 થી 25 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
ચીન પર ભારતની મોટી નિર્ભરતા
ભારત પોતાની જરૂરિયાતના લગભગ 65 થી 70 ટકા API અને ફાર્મા ઇન્ટરમીડિએટ્સ ચીન પાસેથી આયાત કરે છે. વૈશ્વિક પરિવહન વ્યવસ્થા ખોરવાતા આ સપ્લાય ચેઈન પર સીધી અસર પડી છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો દવા ઉત્પાદન પર ગંભીર અસર થઈ શકે છે અને બજારમાં દવાઓની ઉપલબ્ધતા પણ ઘટી શકે છે.
ભવિષ્યમાં દવાઓની અછતની શક્યતા
ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો જીવનરક્ષક દવાઓની અછત સર્જાઈ શકે છે. હાલમાં નાના વેપારીઓ અને સપ્લાયરો પાસે મર્યાદિત સ્ટોક હોવા છતાં કેટલાક વેપારીઓ પરિસ્થિતિનો લાભ લઈને કિંમતો વધારી રહ્યા છે. ઘણા ટ્રેડરોએ નવા ઓર્ડર સ્વીકારવાનું પણ અટકાવી દીધું છે.
સામાન્ય લોકોને પડશે સીધી અસર
જો આ પરિસ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે તો સામાન્ય લોકો માટે તાવ, શરદી તેમજ અન્ય સામાન્ય બીમારીઓની દવાઓ પણ મોંઘી થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર અને ઉદ્યોગોએ મળીને સપ્લાય ચેઈન મજબૂત બનાવવાની જરૂર છે જેથી ભવિષ્યમાં દવાઓની અછત અને ભાવવધારો રોકી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel