ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ સમયસર કાર્યવાહી કરીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. 25 જાન્યુઆરી, 2026ના રોજ ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી ફૈઝાન શેખને ઝડપી લીધો હતો. આરોપ છે કે ફૈઝાન શેખ જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની ઉગ્ર વિચારધારાથી પ્રભાવિત થયો હતો અને સમાજમાં ભય તથા અરાજકતા ફેલાવવાના ઇરાદે ગંભીર કાવતરું રચી રહ્યો હતો.
તપાસમાં ખુલ્યું છે કે તેણે ઓનલાઈન પ્લેટફોર્મ અને અન્ય માધ્યમો દ્વારા આતંકી વિચારધારા અપનાવી હતી અને ‘ચોક્કસ જૂથ’ના લોકોને નિશાન બનાવી હત્યા કરવાની યોજના ઘડી હતી. આ કાવતરાને અમલમાં મૂકવા માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયારો અને જીવતા કારતૂસો મેળવી રાખ્યા હતા, જે ATS દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ATS અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ધરપકડથી સંભવિત મોટો આતંકી હુમલો ટળી ગયો છે.
હાલ ફૈઝાનને પૂછપરછ હેઠળ રાખવામાં આવ્યો છે અને હથિયારો કોણે પૂરાં પાડ્યા, તેમજ આ ષડ્યંત્રમાં અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે અગાઉ પણ દિલ્હીના લાલ કિલ્લા નજીક બ્લાસ્ટના મામલે ગુજરાતમાંથી આતંકીઓ ઝડપાયા હતા, જેમાં રાઈસિન ઝેર દ્વારા મોટા હુમલાની તૈયારીનો ખુલાસો થયો હતો, જે સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચેતવણીરૂપ બન્યો હતો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel