કેરળના રાજકીય ઇતિહાસમાં શુક્રવાર એક યાદગાર દિવસ બની ગયો છે. વર્ષો સુધી ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં ભાજપે મોટો ભંગાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે, જે રાજ્યની રાજનીતિમાં એક ઐતિહાસિક વળાંક માનવામાં આવે છે.
શુક્રવારે સવારે યોજાયેલી મેયર ચૂંટણીમાં 45 વર્ષીય વી.વી. રાજેશે કુલ 100 સભ્યોની હાજરીવાળા ગૃહમાં 51 મત મેળવી બહુમતીનો આંકડો પાર કર્યો હતો. તેમને એક અપક્ષ કાઉન્સિલર એમ. રાધાકૃષ્ણનનું પણ મહત્વપૂર્ણ સમર્થન મળ્યું હતું. ચૂંટણી પરિણામોમાં ભાજપના વી.વી. રાજેશને 51 મત, CPIMના આર.પી. શિવાજીને 29 મત અને કોંગ્રેસ પ્રેરિત UDFના ઉમેદવાર કે.એસ. સબરિનાથનને માત્ર 19 મત મળ્યા હતા. નોંધનીય છે કે ડિસેમ્બરની શરૂઆતમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે 100માંથી 50 બેઠકો જીતીને પહેલેથી જ પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.
આ જીત માત્ર એક નગર નિગમની સત્તા સુધી સીમિત નથી, પરંતુ છેલ્લા 45 વર્ષથી CPMના કબજામાં રહેલી તિરુવનંતપુરમ નગર નિગમમાં બદલાવની શરૂઆત માનવામાં આવે છે. ભાજપે આ પરંપરા તોડી દક્ષિણ ભારતમાં પોતાની વિચારધારાની પકડ મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.
કેરળ ભાજપ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે અગાઉના શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવતા કહ્યું હતું કે નગર નિગમ કચરા વ્યવસ્થાપન, પાણી જેવી પાયાની સુવિધાઓમાં પાછળ રહી ગયું હતું. મેયર પદ સંભાળ્યા બાદ વી.વી. રાજેશે પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જણાવ્યું કે, “અમે સૌને સાથે લઈને આગળ વધીશું અને શહેરના તમામ વોર્ડમાં સમાન વિકાસ સુનિશ્ચિત કરશું. અમારું લક્ષ્ય તિરુવનંતપુરમને આધુનિક અને વિકસિત શહેર બનાવવાનું છે.” આગામી છ મહિનામાં યોજાનારી કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈએ તો, રાજધાનીમાં ભાજપની આ ઐતિહાસિક જીત રાજ્યની રાજનીતિમાં મોટા પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવી રહી છે અને ભાજપના કાર્યકરો માટે આ વિજય એક મોટો ઉત્સાહજનક સંદેશ માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel