કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે તપાસ ટીમે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના પૂર્વ અધ્યક્ષ અને કમિશ્નર એન. વાસુને 11 નવેમ્બરે ધરપકડ કરી છે. 2019માં થયેલા આ કૌભાંડમાં વાસુને મુખ્ય આરોપીઓમાં સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે તેમની દેખરેખ હેઠળ મંદિરના દ્વાર અને મૂર્તિઓ પરથી સોનું ગાયબ થયું હોવાનું બહાર આવ્યું છે.
માહિતી મુજબ, 2019માં સબરીમાલા મંદિરના શ્રીકોવિલ (સનિધાનમ) ખાતે દ્વારપાલક મૂર્તિઓ અને દરવાજાની પેનલો પર સોનાનું ગોલ્ડ પ્લેટિંગ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ કામ મુખ્ય આરોપી ઉન્નિકૃષ્ણન પોટ્ટીને સોંપવામાં આવ્યું હતું, જે આ કામગીરીનો સ્પોન્સર પણ હતો. પરંતુ માર્ચ 2019માં તપાસમાં જાણવા મળ્યું કે દ્વારપેનલમાંથી મૂળ સોનું ઓગાળીને કાઢવામાં આવ્યું અને અધિકૃત દસ્તાવેજોમાં તેને “તાંબું” તરીકે દર્શાવવામાં આવ્યું. આ આદેશ તત્કાલીન કમિશ્નર એન. વાસુ દ્વારા જ મંજૂર કરવામાં આવ્યો હતો.
પછી ડિસેમ્બર 2019માં પોટ્ટીએ વાસુને ઇ-મેઇલ કરીને જણાવ્યું કે કામ પૂરે પછી થોડી માત્રામાં વધારાનું સોનું બચ્યું છે, જે તે પોતાની પુત્રીના લગ્ન માટે ઉપયોગમાં લેવા માંગે છે. વાસુએ આ ઇ-મેઇલને ફોરવર્ડ કર્યો, પરંતુ કોઈ કાર્યવાહી કરી નહોતી, જેના કારણે આખરે સોનાનું મોટું પ્રમાણ ગુમ થયું હોવાનું સામે આવ્યું. SITની તપાસમાં સ્પષ્ટ થયું કે વાસુને સમગ્ર પ્રક્રિયાની જાણકારી હોવા છતાં તેમણે જાણપૂર્વક કાર્યવાહી ટાળી હતી.
આ મામલે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે —
- મુખ્ય આરોપી ઉન્નિકૃષ્ણન પોટ્ટી
- સબરીમાલાના પૂર્વ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર મુરારી બાબુ
- પૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસર ડી. સુદેશ કુમાર
- પૂર્વ તિરુવાભરણમ કમિશ્નર કેએસ બૈજુ
હાલમાં કેરળ હાઇકોર્ટની દેખરેખ હેઠળ ક્રાઈમ બ્રાન્ચની SIT તપાસ કરી રહી છે, જેમાં વૈજ્ઞાનિક પુરાવા, નાણાકીય વ્યવહારો અને ઇલેક્ટ્રોનિક ડેટાની તપાસ ચાલી રહી છે. તપાસના અંતિમ તબક્કામાં અગાઉના અધ્યક્ષ એ. પદ્મકુમાર જેવા ઉચ્ચ અધિકારીઓની પણ ધરપકડ થઈ શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એન. વાસુનો CPI(M) સાથે લાંબો સંબંધ રહ્યો છે. તેઓ કોલ્લમના પંચાયત પ્રમુખ, પૂર્વ મંત્રી પી.કે. ગુરુદાસનના પ્રાઈવેટ સેક્રેટરી અને વ્યવસાયે વકીલ છે. આ ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમાયો છે — વિપક્ષી કોંગ્રેસના નેતા વી.ડી. સતીશને કહ્યું છે કે વાસુની ધરપકડથી CPI(M)ના વરિષ્ઠ નેતાઓની સંડોવણી પણ બહાર આવશે, જે આખા કેસને રાજકીય રંગ આપી શકે છે.
SIT આગામી બે સપ્તાહમાં આ કેસની અંતિમ તપાસ રિપોર્ટ રન્ની કોર્ટમાં રજૂ કરશે, અને ધાર્મિક વિશ્વાસ તથા મંદિર સંચાલન પ્રણાલીમાં પારદર્શિતા અંગેની ચર્ચાઓ ફરીથી તેજ બની છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel