રેલવે મુસાફરો માટે એક મોટી રાહતરૂપ ખબર સામે આવી છે. હવે ટ્રેનની ટિકિટનું રિઝર્વેશન સ્ટેટસ મુસાફરીના ઓછામાં ઓછા 10 કલાક પહેલા જાણી શકાશે. પહેલીવાર રેલવે બોર્ડે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જેથી મુસાફરોને અંતિમ સમયે થતી અસમંજસ અને મુશ્કેલીઓથી બચાવી શકાય.
નવા નિયમ મુજબ, સવારે 5:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યાની વચ્ચે ઉપડતી ટ્રેનો માટે પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના એક દિવસ પહેલાં રાત્રે 8:00 વાગ્યા સુધીમાં તૈયાર કરવામાં આવશે. તે જ રીતે, બપોરે 2:01 વાગ્યાથી રાતના 11:59 વાગ્યા સુધી તેમજ રાતના 12:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા વચ્ચે ઉપડતી ટ્રેનો માટે રિઝર્વેશન ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનથી પૂરાં 10 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે.
અત્યાર સુધી રેલવેમાં ચાર્ટ માત્ર ટ્રેનના પ્રસ્થાનના લગભગ 4 કલાક પહેલાં તૈયાર થતો હતો, જેના કારણે વેઈટિંગ લિસ્ટ અથવા RAC ટિકિટ ધરાવતા મુસાફરોને છેલ્લી ઘડીએ જ ખબર પડતી હતી કે તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં. આ જૂની વ્યવસ્થાના કારણે ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવનારા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, કારણ કે ઘણી વખત તેઓ સ્ટેશન પહોંચી ગયા બાદ ખબર પડતી કે ટિકિટ કન્ફર્મ નથી, જેના કારણે સમય અને પૈસાનો બેડો ભાંગતો હતો.
રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે મુસાફરોની સુવિધા અને યાત્રા આયોજન સરળ બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે, જેથી તેઓ પહેલેથી જ પોતાની મુસાફરી અંગે યોગ્ય આયોજન કરી શકે. આ બાબતે તમામ ઝોનલ રેલવે ડિવિઝનોને જરૂરી નિર્દેશો પણ આપી દેવામાં આવ્યા છે. લાંબા સમયથી મુસાફરો તરફથી ચાર્ટ મોડું બનવાની ફરિયાદો મળતી હોવાથી, રેલવે વિભાગે આ બદલાવ કરીને મુસાફરોને વધુ પારદર્શક અને સુવિધાજનક સેવા આપવાનો પ્રયાસ કર્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel