ભારતના શહેરોને જળ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજના હેઠળ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ગ્રીન સ્પેસના વિકાસને નવી ગતિ મળી રહી છે. રાજ્યમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી 70 બગીચાઓનું વિકાસકાર્ય પૂર્ણ થયું છે જ્યારે બાકી 61 બગીચાઓનું કામ પ્રગતિમાં છે.
હરિત સ્થળો દ્વારા શહેરી જીવનમાં ગુણવત્તાનો વધારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર 2021ના રોજ શરૂ કરાયેલી AMRUT 2.0 યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરોને ‘વોટર સિક્યોર’ બનાવવાનો છે. જળસ્ત્રોતોના પુનર્જીવન, નોન-રેવેન્યુ વોટર (NRW)માં ઘટાડો અને શુદ્ધ ગંદા પાણીના પુનઃઉપયોગ સાથે, શહેરી સુવિધાઓમાં વધારો કરવા માટે ગ્રીન સ્પેસ, ઉદ્યાનો અને ખુલ્લી જગ્યાઓના વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા શહેરી હવાની ગુણવત્તામાં સુધારો અને હરિત આવરણના વિસ્તરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
બંજર ઉદ્યાનોનો પુનઃવિકાસ અને નવા બગીચાઓનું નિર્માણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની વિવિધ નગરપાલિકાઓમાં બંજર થયેલા બગીચાઓને પુનઃવિકસિત કરવામાં આવી રહ્યા છે તેમજ નવા ઉદ્યાનો પણ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રયાસ શહેરીજનોને સ્વચ્છ, હરિયાળું અને આરોગ્યપ્રદ વાતાવરણ આપવા સાથે સમુદાય કેન્દ્રિત જાહેર સ્થળો ઉભા કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
લાઠીમાં ₹1.26 કરોડથી ભવાની ગાર્ડનની કાયાપલટ
લાઠી નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભવાની ગાર્ડન અગાઉ બંજર બની ગયો હતો. AMRUT 2.0 હેઠળ ₹1.26 કરોડના ખર્ચે 10,936.35 ચોરસમીટર વિસ્તારમાં તેનું પુનઃવિકાસ કરીને આકર્ષક હરિયાળો બગીચો બનાવવામાં આવ્યો છે. બગીચામાં પહેલાથી હાજર વૃક્ષોને જાળવી રાખવામાં આવ્યા છે અને દેશી પ્રજાતિના વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે જેથી પક્ષીઓ માટે કુદરતી નિવાસસ્થાન સર્જાય.
ભવાની ગાર્ડનમાં ખુલ્લો લૉન, બાળકો માટે રમતો વિસ્તાર, ઓપન જિમ, યોગ અને નોલેજ સેન્ટર તેમજ શ્વેત અશ્વોનું આકર્ષક ફાઉન્ટેન સ્કલ્પચર જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જેનાથી આ બગીચો લાઠીના નાગરિકો માટે નંદનવન સમાન બન્યો છે.
પાલનપુરમાં ₹2.25 કરોડથી કૈલાસવાટિકાનો પુનઃવિકાસ
પાલનપુર નગરપાલિકામાં ₹2.25 કરોડના ખર્ચે 10,000 ચોરસમીટર વિસ્તારમાં કૈલાસવાટિકા ગાર્ડનનો પુનઃવિકાસ કરવામાં આવ્યો છે. અહીં બાળકો માટે રમતો વિસ્તાર, દીવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ, ગઝેબો અને બેઠક વ્યવસ્થાઓ સહિતની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ બગીચો પાલનપુરના નાગરિકો માટે મનોરંજન અને આરામનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે.
શહેરી પર્યાવરણ અને જૈવવિવિધતા માટે મહત્વપૂર્ણ પહેલ
AMRUT 2.0 હેઠળ વિકસિત ગ્રીન સ્પેસ શહેરોમાં ઇકોલોજીકલ સંતુલન પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ બની રહ્યા છે. સ્થાનિક છોડ અને વૃક્ષોના ઉપયોગથી જૈવવિવિધતાને ટેકો મળે છે અને પાણી તથા જાળવણીની જરૂરિયાત પણ ઓછી રહે છે. આ પહેલથી શહેરી જીવનમાં ટકાઉપણું, સ્થિતિસ્થાપકતા અને આરોગ્યપ્રદ વાતાવરણ તરફ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel