ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી ઘૂસણખોરો અને ઇમિગ્રેશનના કેસોને નિયંત્રિત કરવા માટે ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 (Immigration and Foreigners Act, 2025) સત્તાવાર રીતે અમલમાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ કાયદો 14 સપ્ટેમ્બર, 2025થી દેશભરમાં લાગુ થશે. સંસદના બજેટ સત્રમાં પાસ થયા બાદ 4 એપ્રિલે રાષ્ટ્રપતિની મંજૂરી મેળવીને આ બિલ કાયદામાં ફેરવાયું હતું.
આ કાયદા હેઠળ ગેરકાયદેસર પ્રવેશ, નકલી દસ્તાવેજોનો ઉપયોગ, વિઝાની મુદત પૂરી થયા બાદ રોકાઈ જવું અથવા યોગ્ય દસ્તાવેજો વિના દેશમાં રહેવું ગંભીર ગુનો ગણાશે. આવા કેસોમાં 2 થી 7 વર્ષની જેલની સજા અને ₹1 લાખથી લઈને ₹10 લાખ સુધીનો દંડ થઇ શકે છે. વિદેશી નાગરિક જો માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં પ્રવેશ કરે, તો તેને 5 વર્ષની જેલ અથવા ₹5 લાખ દંડ અથવા બંને સજા થઇ શકે છે. કાયદામાં સ્પષ્ટ શબ્દોમાં “ગેરકાયદેસર ઇમિગ્રન્ટ”ની વ્યાખ્યા આપવામાં આવી છે અને આવા લોકોને અટકાયત, દેશનિકાલ અથવા બ્લેકલિસ્ટ કરવાની સત્તા અધિકારીઓને આપવામાં આવી છે.
નવા કાયદાથી બ્યૂરો ઑફ ઇમિગ્રેશનને વિશેષ સત્તાઓ અપાઈ છે. હવે એજન્સી સીધું રાજ્યો સાથે સંકલન કરીને ગેરકાયદે નાગરિકોને બહાર કરી શકશે. દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટેલ, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે કે તેઓ સમયાંતરે વિદેશી નાગરિકોની વિગતો પૂરી પાડે. જો આવા સ્થળોએ ગેરકાયદેસર નાગરિકો મળ્યા તો તેમની સંસ્થાનું રજીસ્ટ્રેશન તાત્કાલિક રદ થશે.
એરલાઇન્સ અને શિપિંગ કંપનીઓ પર પણ કડક પગલાંની જોગવાઈ છે. હવે દરેક કંપનીએ તેમના યાત્રિકો અને ક્રૂ મેમ્બરોની આગોતરી વિગતો (મેનિફેસ્ટ) ભારત આવતા પહેલા જ ઈમિગ્રેશન ઓફિસરને આપવી ફરજિયાત રહેશે. જો તેમાં કોઈ ચૂક કે ગેરરીતિ થશે તો કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે.
આ નવા કાયદાના અમલથી પાસપોર્ટ એક્ટ, 1920, રજીસ્ટ્રેશન ઑફ ફોરેનર્સ એક્ટ, 1939, ફોરેનર્સ એક્ટ, 1946 અને ઈમિગ્રેશન એક્ટ, 2000 જેવા જુના કાયદાઓને સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયનું માનવું છે કે નવા કાયદાથી દેશની રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનશે, ઘૂસણખોરી પર રોકાશે અને ઇમિગ્રેશનની વ્યવસ્થા વધુ પારદર્શક અને કડક બનશે.
આ કાયદામાં માનવતાવાદી પાસું પણ સામેલ છે. પોતાના દેશમાં અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આશ્રય મેળવવા આવેલા શરણાર્થીઓ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આવા લોકોને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કાનૂની સુરક્ષા અને સહાય પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ માનવ અધિકારોનું રક્ષણ મેળવી શકે અને સલામત જીવન જીવી શકે.
આ રીતે, ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025 ભારત માટે એક સમગ્ર અને આધુનિક કાયદાકીય માળખું પૂરું પાડે છે, જે ગેરકાયદેસર ઘૂસણખોરો પર નિયંત્રણ સાથે શરણાર્થીઓ માટે માનવતાવાદી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel