જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર શહેર સ્થિત નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા આકસ્મિક અને વિનાશકારી વિસ્ફોટ અંગે ગૃહ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને સમગ્ર ઘટનાની ગંભીરતા, નુકસાન અને તપાસ સંબંધિત માહિતી શેર કરી છે. નિવેદન મુજબ આ દુર્ઘટનામાં કુલ નવ લોકોનાં મોત થયા છે, જ્યારે 27 પોલીસકર્મીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો સહિત કુલ 32થી વધુ લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (જમ્મુ–કાશ્મીર વિભાગ) પ્રશાંત લોખંડેએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે પોલીસ સ્ટેશનની ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને આસપાસ આવેલા કેટલાક માળખાંને પણ ભારે નુકસાન થયું છે. હાલમાં સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોએ ઘેરી લીધેલો છે અને તકનીકી તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્થળનો વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત પ્રશાંત લોખંડેએ સ્પષ્ટ કરી જણાવ્યું કે વિસ્ફોટ કોઈ આતંકવાદી હુમલો નહીં પરંતુ તપાસ પ્રક્રિયા દરમિયાન થયેલી અણધારેલી અને દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના છે. આતંકવાદી મોડ્યુલ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સુરક્ષા એજન્સીઓને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને રસાયણો મળી આવ્યા હતા, જેને પોલીસ સ્ટેશનના ખુલ્લા પરંતુ સેફ ઝોન વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા. નમૂનાઓને નિયમિત પ્રક્રિયા મુજબ ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવાની પ્રક્રિયા ચાલી રહી હતી. હરિયાણાના ફરીદાબાદ વિસ્તારમાંથી જપ્ત થયેલી આ સામગ્રી ખૂબ જ સંવેદનશીલ અને અસ્થિર સ્વભાવ ધરાવતી હતી, જેને લીધે નમૂના લેતા સમયે વિશેષ સાવધાની અપનાવવામાં આવી રહી હતી. તેમ છતાં, પ્રક્રિયા દરમિયાન અચાનક વિસ્ફોટ થયો અને અનેક અધિકારીઓ અને કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા.
ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ઘટનામાં ઘાયલ લોકોને તાત્કાલિક તબીબી સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને કેટલાકને ગંભીર સ્થિતિને કારણે અદ્યતન સારવાર સુવિધાઓમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સરકાર અને તપાસ એજન્સીઓ ઘટનાના પ્રતિેક પાસા અને સંભવિત કારણોનું વિશ્લેષણ કરી રહી છે જેથી આ પ્રકારની દુર્ઘટનાઓ ભવિષ્યમાં ટાળી શકાય. મંત્રાલયે લોકોને અફવાઓ, ગેરસમજ અને ભયનો માહોલ ન સર્જવા અપીલ કરી છે તેમજ જણાવ્યું છે કે સત્તાવાર રીતે મળતી માહિતી સિવાય કોઈપણ અપ્રમાણિત દાવામાં વિશ્વાસ ન કરવો. અંતે, ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ દુઃખદ ઘટના એક મોટી માનવીય ક્ષતિ છે અને કેન્દ્રીય સરકાર મૃતકોના પરિવારો અને ઘાયલોના પરિજનો સાથે સંપૂર્ણ રીતે એકતા સાથે ઉભી છે અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom