ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સનાતન ધર્મ મહિમા સમજાવ્યો અને તેમાં મંત્રનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.!
ગોહિલવાડમાં સુપ્રસિધ્ધ નરસિંહ મહેતાની ભક્તિભૂમિ ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ‘માનસ ગોપનાથ’ ગાન કરતાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ મંત્રનું મહાત્મ્ય સમજાવ્યું. મોરારિબાપુએ તુલસીદાજીના રામચરિત માનસ ગાન સાથે મંત્રનું મહાત્મ્ય વર્ણવતા જણાવ્યું કે, ભગવાન શિવજી કહે છે, રામનામ એ મહામંત્ર છે.! ‘મંત્ર’ એ અક્ષરોનો સમૂહ નથી, તેનો મહિમા અદ્ભુત છે, આ મંત્ર એ ‘સજીવ’ છે.
મોરારિબાપુએ વિનમ્રભાવે સૌને પોતપોતાના ઈષ્ટદેવના સ્મરણ મંત્ર માટે જણાવી પોતાને ‘રામ’ નામ મંત્ર પ્રિય રહ્યાનું ઉમેર્યું અને સૌને રામધૂનમાં મોજ કરાવી. આ સાથે જ સનાતન ધર્મ સામે ઊભા થયેલાં વાતાવરણ સામે જાગૃત થવા અને આપણા સનાતન દેવસ્થાનો પર આસ્થા ભાવ રાખવા અનુરોધ કર્યો.
બીજા દિવસની કથા પ્રારંભ કરાવતાં મોરારિબાપુએ શ્રી નરસૈયાની રચનાઓ દ્વારા વૈષ્ણવ, વિશ્વાસ અને વિરક્તિના તત્વ સંદેશાનો ઉલ્લેખ કરી, ‘વૈષ્ણવજન તો તેને કહીએ…’ ‘અખંડ રોજી હરિના હાથમાં…’ ગાન ઉલ્લેખ કર્યો. આ સાથે રામચરિત માનસ વંદના પ્રકરણ આગળ વધારી કથા પ્રસંગો સાથે સનાતન ધર્મ મહિમા સમજાવ્યો. કથામાં કથાકાર વક્તા તથા શ્રોતાઓના લક્ષણો પણ વર્ણવાયા.
આજની કથા વિરામ સાથે મોરારિબાપુએ સૌ ભાવિકોને અહીંયા પ્રસાદ લેવા જણાવી આ ભોજન એ ગોપનાથનો પ્રસાદ તથા નરસિંહ મહેતાનો ભંડારો ગણાવ્યો.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel