બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને વધતી હિંસાની વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લક્ષ્મીપુર જિલ્લામાં રાત્રિના સમયે તોફાની તત્વોએ સ્થાનિક BNP (બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી) નેતા બેલાલ હુસૈનના ઘરને નિશાન બનાવી ભયાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા ઘરના બહારના દરવાજા બંધ કરી દીધા અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. તે સમયે બેલાલ હુસૈન પોતાની પત્ની અને બાળકો સાથે ઘરમાં સૂઈ રહ્યા હતા.
આગ ઝડપથી ફેલાતાં 7 વર્ષની બાળકી આયેશા અખ્તર ઘરની બહાર નીકળી શકી નહીં અને જીવતી સળગી ગઈ હતી, જ્યારે ઘરમાં રહેલા અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચીસો સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને ભારે પ્રયત્નો બાદ આગ બુઝાવી, પરંતુ ત્યાં સુધીમાં એક નિર્દોષ બાળકીનો જીવ ગયો હતો. બેલાલ હુસૈન અને તેમની બે પુત્રીઓ બિથી અખ્તર અને સ્મૃતિ અખ્તરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાં બંને છોકરીઓને ઢાકા મેડિકલ કોલેજના બર્ન યુનિટમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ બાંગ્લાદેશમાં હિંસાની ઘટનામાં દીપુ દાસ નામના હિંદુ યુવકની હત્યા કરી તેનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે દેશમાં અલ્પસંખ્યકો અને રાજકીય કાર્યકરોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા ઉભી થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel