સુરત પોલીસે ‘ઓપરેશન ડેલ્ટા’ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પકડેલા 129 બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસમાં ખુલ્યું છે કે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ માટે સરહદી વિસ્તારોમાં કાર્યરત એજન્ટો મુખ્ય ભૂમિકા ભજવતા હતા અને તેઓ પ્રતિ વ્યક્તિ રૂ. 5 હજારથી 10 હજાર સુધીની રકમ વસૂલતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘૂસણખોરી માટે મુખ્યત્વે બેનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરના માર્ગોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા બાદ મોટાભાગના લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આશરો લઈ પોતાની ઓળખ છુપાવતા અને કચરો તેમજ ભંગાર વીણી ગુજરાન ચલાવતા હતા.
પૂછપરછમાં શું ખુલ્યું?
પકડાયેલા લોકોના નિવેદનો અનુસાર તેઓ મોટાભાગે રાત્રિના સમયે સરહદ પાર કરતા હતા. અંધારાનો લાભ લઈ સુરક્ષા એજન્સીઓની નજરથી બચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. કેટલાક કિસ્સાઓમાં પરિવારના સભ્યો સાથે મળીને સરહદ પાર કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે.
તપાસ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબોમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેમની પાસે પાસપોર્ટ, વિઝા કે અન્ય કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. રોજગારીની તંગી અને ઓછી આવકને કારણે ભારતમાં કામની શોધમાં આવવાનું પસંદ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું.
મોબાઇલ ડેટામાંથી મળ્યા પુરાવા
સુરત પોલીસે પકડાયેલા લોકોના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ, કોલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ પુરાવા એકત્ર કર્યા હતા. આ માહિતીના આધારે તેમના બાંગ્લાદેશી નાગરિક હોવાના સંકેતો વધુ મજબૂત બન્યા છે.
હાલ તમામ 129 લોકોને રાંદેર સ્થિત ભિક્ષુકગૃહમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની વધુ પૂછપરછ અને કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.
નદી માર્ગે પણ થતી હતી ઘૂસણખોરી
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક એજન્ટો સરહદી નદીઓનો ઉપયોગ કરીને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં પ્રવેશ કરાવતા હતા. આશરે 100થી 150 કિલોમીટર લાંબા સરહદી પટ્ટામાં નાની હોડીઓ અથવા હોડકાઓ મારફતે રાત્રિના સમયે લોકોને સરહદ પાર કરાવવામાં આવતા હતા.
સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે ઘૂસણખોરીના માર્ગો વારંવાર બદલવામાં આવતા હતા અને કોઈ ચોક્કસ રૂટનો ઉપયોગ કરવામાં આવતો ન હતો.
નેટવર્કના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ
સુરત પોલીસ હવે આ સમગ્ર રેકેટમાં સંકળાયેલા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય એજન્ટોની ઓળખ મેળવવા અને નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. પોલીસના મતે, ગેરકાયદેસર ઘૂસણખોરી પાછળ કાર્યરત સંગઠિત તંત્ર અંગે હજુ વધુ મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે.
આ ઘટનાએ સરહદી સુરક્ષા અને ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel