રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના પગલે આજે વહીવટી તંત્ર ફરી સંપૂર્ણ એક્શનમાં આવ્યું છે. શુક્રવારની વહેલી સવારથી જ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બુલડોઝરની મદદથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ પ્રકારની અશાંતિ ફરી ન ફાટી નીકળે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ડિસેમ્બર 2025ના છેલ્લા અઠવાડિયામાં થઈ હતી, જ્યારે ચોમુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી કલંદરી મસ્જિદ નજીક વર્ષોથી પડેલા પથ્થરો અને લોખંડની રેલિંગ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, આ અતિક્રમણોના કારણે વારંવાર ટ્રાફિકજામ સર્જાતો હતો અને લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ હતી. 25 ડિસેમ્બરની રાત્રે મસ્જિદ સમિતિ અને નગર નિગમ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પરસ્પર સંમતિથી આ પથ્થરો અને રેલિંગ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સહમતી છતાં 26 ડિસેમ્બરની સવારે સ્થિતિ અચાનક બગડી ગઈ. જ્યારે પોલીસ અને નગર નિગમની ટીમ રેલિંગ હટાવવાની કામગીરી માટે પહોંચી, ત્યારે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો. થોડા જ સમયમાં વિરોધ હિંસક બની ગયો અને ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તણાવ વધુ ન વધે તે માટે વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ પણ તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી હતી.
પથ્થરમારાની આ ઘટનાના પગલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. 110થી વધુ લોકોને અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 24 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. વહીવટી તંત્રએ આ 24 આરોપીઓના ઘરો પર નોટિસ ફટકારીને ત્રણ દિવસની અંદર જવાબ માંગ્યો હતો. સાથે જ 20 ગેરકાયદે કતલખાના અને ચાર અન્ય બિનકાયદેસર બાંધકામોને હટાવવા માટે 31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા અને અતિક્રમણ ન હટાવવામાં આવતા, આજે તંત્રએ બુલડોઝર એક્શન શરૂ કરીને ગેરકાયદે સીડીઓ, રેમ્પ અને પ્લેટફોર્મ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
વહીવટી અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર કાર્યવાહી કાયદા અને કોર્ટના આદેશ મુજબ કરવામાં આવી રહી છે અને વારંવાર ચેતવણી આપવા છતાં અતિક્રમણ હટાવવામાં આવ્યું નહોતું. બીજી તરફ, સ્થાનિક લોકોનો આરોપ છે કે તંત્રએ પૂરતો સમય આપ્યા વગર કાર્યવાહી શરૂ કરી છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. હાલ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર ચોમુ નગરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહી છે અને સ્થિતિ પર સતત ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel