ભારતમાં ઇન્ડિગો એરલાઇનની વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વિલંબથી લાખો મુસાફરો પરેશાન બન્યા છે. આવા સમયે ભારતીય રેલવે બહુમુલ્ય સહારો બની રહ્યું છે. દેશમાં સર્જાયેલ આકસ્મિક મુસાફરી સંકટને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે મોટા પગલાં લીધા છે.
છેલ્લાં થોડાં દિવસોમાં ઇન્ડિગોની 500થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે અથવા લાંબા સમય સુધી વિલંબિત રહી છે. એરપોર્ટ્સ પર ભારે ભીડ અને અનિશ્ચિતતાને કારણે લોકો માટે મુસાફરી મુશ્કેલ બની ગઈ હતી. મુસાફરોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે રેલવે મંત્રાલયે પ્રાથમિકતા પરથી 37 પ્રીમિયમ ટ્રેનોમાં કુલ 116 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.
આ વધારાના કોચના કારણે રેલવે હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિમાં 114 વધારાની ઓગમેન્ટેડ ટ્રિપ્સ ચલાવી શકશે, જે દ્વારા આશરે 26 લાખ મુસાફરોને કન્ફર્મ ટિકિટ સાથે મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ થઈ શકશે. ઉમેરાયેલા કોચમાં AC 2-ટાયર, AC 3-ટાયર અને ચેર કારનો સમાવેશ થાય છે, જેથી લાંબી અને મધ્યમ અંતરની મુસાફરી વધુ સુવિધાજનક બને.
આ વધારાની વ્યવસ્થાઓ મુખ્યત્વે દેશના મેટ્રો શહેરો અને હાઈ-ડિમાન્ડ રૂટ્સ પર અમલમાં મૂકવામાં આવી છે – જેમ કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા રૂટ્સ, જ્યાં ફ્લાઇટ રદ્દીકરણનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો હતો.
મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને પૂર્વ રેલવે સહિત અનેક ઝોન્સે ખાસ ટ્રેનો ચલાવવાનું પણ શરૂ કર્યું છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે રેક ઉપલબ્ધ થતાં ક્રમશઃ વધુ ટ્રેનો અને કોચ ઉમેરાશે.
મંત્રાલયે જણાવ્યું છે કે એરલાઈન ઓપરેશન્સ સામાન્ય થઈ જાય ત્યાં સુધી, મુસાફરોને રાહત આપવા માટે આ ખાસ વ્યવસ્થા 6 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ભારતીય રેલવેની આ ઝડપી કાર્યવાહીથી તાત્કાલિક મુસાફરીની જરૂરિયાત ધરાવતા મુસાફરોને મોટી રાહત મળી રહી છે અને એર ટ્રાવેલમાં સર્જાયેલા સંકટનો દબાણ ઓછો થયો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel