તાજેતરમાં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાંથી રાજીનામું આપ્યા બાદ ફરી એકવાર પાર્ટીના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે પાર્ટી છોડ્યા બાદ માત્ર 20 મિનિટમાં જ તેમને ‘ગદ્દાર’ તરીકે રજૂ કરતા પોસ્ટરો તૈયાર કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા. કરપડાના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ફરી ચર્ચા તેજ થઈ છે.
‘ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાત-દિવસ મહેનત કરી’
પ્રેસ કોન્ફરન્સમાં કરપડાએ જણાવ્યું કે તેમણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાર્ટી માટે સંપૂર્ણ વફાદારી સાથે કામ કર્યું હતું. ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને વિસાવદર બેઠક પરથી જીતાડવા માટે તેમણે દિવસ-રાત મહેનત કરી હતી. છતાં જ્યારે તેમણે પાર્ટી છોડી, ત્યારે તેમના વિરુદ્ધ તરત જ નકારાત્મક પ્રચાર શરૂ થયો, જેનાથી તેમને વ્યક્તિગત રીતે દુઃખ થયું હોવાનું તેમણે જણાવ્યું.
જૂના કેસોની FIR બતાવી પરિવાર પર પણ આરોપો લગાવ્યા
કરપડાએ વધુમાં જણાવ્યું કે તેમના વિરુદ્ધ 10 વર્ષ જૂના બે કેસોની FIRની નકલો મીડિયા સામે રજૂ કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે આ ઘટનામાં માત્ર તેમને જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના મતે, પાર્ટીના પ્રદેશ સ્તરના નેતાઓ અને સોશિયલ મીડિયા સંભાળતા લોકો દ્વારા તેમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી.
કરપડાએ આરોપ લગાવ્યો કે સૌરાષ્ટ્રમાં ખેડૂતો વચ્ચે પહોંચવા માટે કાઢવામાં આવેલી AAPની ‘કિસાન બચાવો યાત્રા’ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. તેમના કહેવા મુજબ, આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતો હવે આમ આદમી પાર્ટીથી દૂર થઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરતી પાર્ટી પંજાબમાં પોતાની સરકાર હોવા છતાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલી શકી નથી. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે MSPના મુદ્દે શંભુ બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ત્યારે પંજાબ પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને તેમના તંબૂ તોડી નાખવામાં આવ્યા હતા.
19 માર્ચથી ‘કિસાન સંપર્ક યાત્રા’ની જાહેરાત
પ્રેસ કોન્ફરન્સમાં કરપડાએ આગામી કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે 19 માર્ચથી 24 માર્ચ સુધી ‘કિસાન સંપર્ક યાત્રા’ યોજાશે. આ યાત્રા તુલસી શ્યામ મંદિરથી શરૂ થઈને સાવરકુંડલા, અમરેલી, બગસરા, વિસાવદર, માળીયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ અને જસદણ થઈને 24 માર્ચે પૂર્ણ થશે.
કરપડાએ હાલ કોઈ પણ નવી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી નથી. તેમણે જણાવ્યું કે યાત્રા પૂર્ણ થયા બાદ આગામી રાજકીય પગલાં અંગે નિર્ણય લેવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel